Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 75

background image
: ૨૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે. આવી દિવ્ય શક્તિવાળા આત્માને દેખે
તો દિવ્યદ્રષ્ટિ ઊઘડી જાય. તારા આત્માનો વૈભવ તારે દેખવો હોય તો તારી દિવ્ય
આંખો ખોલ. આ બહારની આંખ વડે એ નહીં દેખાય, અંદર રાગની આંખ વડે પણ તે
નહીં દેખાય; પણ ચૈતન્યના જ્ઞાનચક્ષુ ખોલ તો તને તારો દિવ્યવૈભવ દેખાશે.
ચૈતન્યદરબારની શોભા કોઈ અદ્ભુત ને આશ્ચર્યકારી છે.
પ્રભો! આ જે કાંઈ કહેવાય છે તે બધું તારામાં જ છે. તારા આત્મવૈભવની આ
વાત સન્તો તને સંભળાવે છે. વાહ રે ચૈતન્યપ્રભુ, તારી પ્રભુતા!! એકલા જ્ઞાનપ્રકાશનો
પૂંજ, એકલા આનંદનું ધામ! આવી અનંતશક્તિના ધામરૂપ આત્મા છે. તે શક્તિઓ
કારણરૂપ છે, ને તે કારણમાંથી કાર્ય આવે છે. સાચા કારણના સ્વીકાર વડે કાર્ય આવે
છે. કારણનો જ્યાં સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવશે? જ્યાં કારણપણે રાગનો જ
સ્વીકાર છે ત્યાં કાર્યમાં પણ રાગ આવશે. રાગકારણમાંથી વીતરાગીકાર્ય આવશે નહીં.
ભગવાન આત્માની અનંતી શુદ્ધ શક્તિઓ છે તેનો સ્વીકાર કરતાં (એટલે કે તેની
સન્મુખ થતાં) તે કેવળજ્ઞાનાદિ શુદ્ધ કાર્ય આપે છે એવી તેનામાં તાકાત છે. આત્માનું
શુદ્ધ કાર્ય આપવાની તાકાત બીજા કોઈમાં નથી. અનંત કારણશક્તિથી ભરેલા પોતાના
ચિદાનંદ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં મિથ્યાત્વનો નાશ થાય છે ને તેમાં લીન થતાં
અસ્થિરતાનો નાશ થાય છે.–આમ નિર્મળકારણના સ્વીકારથી નિર્મળ કાર્ય પ્રગટી જાય
છે; બીજું કોઈ બહારમાં કારણ છે જ નહીં.
સ્વસન્મુખ થઈને આત્માનું સ્વસંવેદન જેને પ્રગટ્યું તેનામાં ચૈતન્યનો વીરરસ
પ્રગટ્યો, સ્વાનુભવનું વીર્ય પ્રગટ્યું, તે કાયરતાને (પરભાવને) પોતામાં આવવા ન દ્યે;
તેને પોતાની રક્ષા માટે રાગાદિની મદદ ન હોય. રત્નત્રયના સાધક કોઈ એક મુનિ
સંથારો કરે ત્યારે વૈયાવચ્ચ કરનારા બીજા મુનિઓ તેને ચૈતન્યના ઉપદેશ વડે વીરતા
ઉપજાવે છે. કોઈવાર મુનિને જરાક પાણીનો વિકલ્પ આવી જાય તો બીજા મુનિ
વૈરાગ્યથી કહે છે કે અરે મુનિ! અંદર ચૈતન્યના આનંદરસ ભર્યા છે તે આનંદના જળ
પીઓને! અત્યારે તો સ્વાનુભવના નિર્વિકલ્પઅમૃત પીવાનાં ટાણાં છે. આ પાણી તો
અનંતવાર પીધાં, તેનાથી તૃષા નહીં છીપે, માટે નિર્વિકલ્પ થઈને અંદરમાં સ્વાનુભવના
આનંદરસનું પાન કરો. ત્યારે તે મુનિ પણ બીજી જ ક્ષણે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ–
આનંદના દરિયામાં ડુબકી મારે છે. તે આનંદને માટે પોતાના આત્મા સિવાય બીજા
કોઈનું અવલંબન નથી.