: ૨૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
હાલે–ચાલે–બોલે છે, તે ક્રિયા આત્માથી થઈ નથી; આત્માએ તો તેને જાણવાની ક્રિયા
કરી છે. આ રીતે જડ–ચેતનની ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. જડ–ચેતનની ક્રિયાનો આવો
ભેદ–તફાવત નહિ જાણનાર અજ્ઞાની જીવ તે બંનેને એકપણે માનીને સંસારમાં
પરિભ્રમણ કરે છે.
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ સાતમ: રવિવાર)
જુઓ, આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. જડ–ચેતનની ભિન્નતાનું જેને જ્ઞાન નથી
તેને કદી સમાધિ થતી નથી.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેની ક્રિયા તો જાણવારૂપ જ છે. અને શરીર જડસ્વરૂપ
છે તે સ્વયં હાલવા–ચાલવાની ક્રિયાવાળું છે પણ તેનામાં દેખવાની ક્રિયા નથી. આત્મા
અને શરીર બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે. બંનેની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન છે. શરીર
ઊંચું–નીચું થાય–વ્યવસ્થિત પગ ઊપડે, ભાષા બોલાય તે બધી જડની ક્રિયા છે, જડ
આંધળા સ્વયં ચાલે છે, ને ત્યાં તે–તે ક્રિયાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માની ક્રિયા
છે. પણ અજ્ઞાની કહે છે કે ‘મેં શરીરની ક્રિયા કરી; હું બોલ્યો, મેં જાળવીને પગ
મૂક્યો.’–એવી ભ્રમણાને લીધે તે અજ્ઞાની શરીરાદિ બાહ્યપદાર્થોમાં જ ઉપયોગની એક્તા
કરે છે, પણ શરીરથી ભિન્ન આત્મામાં ઉપયોગને જોડતો નથી. તેને અહીં સમજાવે છે કે
અરે મૂઢ! જડ અને ચેતનની ક્રિયાઓ ભિન્નભિન્ન છે; તારી ક્રિયા તો જાણવારૂપ છે,
શરીરની ક્રિયાઓ તારી નથી. માટે શરીરાદિ જડ સાથેનો સંબંધ તોડ ને ચૈતન્યસ્વભાવ
સાથે સંબંધ જોડ!
જડ–ચેતનના ભેદજ્ઞાન માટે અહીં આંધળા અને લંગડાનું સરસ દ્રષ્ટાંત આપ્યું
છે. આંધળામાં હાલવા–ચાલવાની તાકાત છે પણ માર્ગ દેખવાની તાકાત નથી; તેના
ખભા ઉપર લંગડો બેઠો છે, તેનામાં જાણવાની તાકાત છે પણ દેહને ચલાવવાની તાકાત
નથી. આંધળો ચાલે છે ને લંગડો દેખે છે. ત્યાં ચાલવાની ક્રિયા કોની છે?–આંધળાની
છે. દેખવાની ક્રિયા કોની છે? લંગડાની છે. એ રીતે બંનેની ક્રિયા ભિન્નભિન્ન છે. તેમ
શરીર જડ આંધળું છે, તેનામાં સ્વયં હાલવા–ચાલવાની તાકાત છે, પણ જાણવા–
દેખવાની તાકાત તેનામાં નથી. તેની સાથે એકક્ષેત્રે આત્મા રહેલો છે, તેનામાં જાણવા–
દેખવાની તાકાત છે પણ શરીરને ચલાવવાની તાકાત તેનામાં નથી. શરીર તેના
સ્વભાવથી જ હાલે–ચાલે છે, તે જડની ક્રિયા છે, ને તેને જાણે છે તે આત્માની ક્રિયા છે.–
આમ જડ–ચેતન બંનેની ભિન્નભિન્ન ક્રિયાઓ છે. આવી ભિન્નતાને જે જાણે તેને શરીરથી
ઉપેક્ષા થઈને આત્મસમાધિ થાય છે.
પ્રશ્ન:– આંધળાને તો કાંઈ ખબર નથી, એટલે લંગડો જ તેને માર્ગ બતાવીને
હલાવે–ચલાવે છે; તેમ શરીર તો જડ છે, તેને કાંઈ ખબર નથી, આત્મા જ તેની
ક્રિયાઓ કરે છે!