Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 75

background image
: ૩૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
જુદો છે. જીવ જડ નથી. શુદ્ધ નિશ્ચયનયથી આ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી
અભિન્ન અર્થાત્ એકમેક છે, પરંતુ વ્યવહારનયથી તે મતિજ્ઞાની–શ્રુતજ્ઞાની વગેરે
અવસ્થાવાળો છે.
–આ પ્રમાણે જીવનું નિત્યપણું–અનિત્યપણું, બંધ–મોક્ષ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે
બધું અનેક નયોથી (અર્થાત્ અનેકાંત મતથી) જ સિદ્ધ થાય છે, એકાંતનયથી (–
અર્થાત્ એકાંતવાદથી) તો કર્તૃત્વ–ભોકતૃત્વ, બંધ–મોક્ષ આદિ બધા ધર્મો સર્વથા મિથ્યા
ઠરે છે!
એ પ્રમાણે તે દેવે જે જે પ્રશ્નો પૂછ્યા તે સર્વેનું સમાધાન વજ્રયુધકુમારે ઘણી
ગંભીરતા અને દ્રઢતાથી યુક્તિપૂર્વક કર્યું. તેમની તત્ત્વાર્થશ્રદ્ધાન્ની દ્રઢતા જોઈને અને
તત્ત્વોના સ્વરૂપથી ભરેલા અમૃતસમાન તેમનાં વચનો સાંભળીને તે દેવ એટલો બધો
સંતુષ્ટ અને પ્રસન્ન થયો–જાણે કે તેને મોક્ષપદ મળી ગયું હોય!
ત્યારબાદ તે દેવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને સ્વર્ગમાં ઈન્દ્રે તેમની જે
પ્રશંસા કરી હતી તે કહી સંભળાવી. વળી તે દેવે દિવ્ય વસ્ત્ર વગેરે પહેરાવીને
મહાભક્તિથી વજ્રયુધકુમારનું બહુમાન કર્યું, વારંવાર તેમની પ્રશંસા કરી, અને પછી
નમસ્કાર કરીને પોતાના સ્વર્ગમાં ચાલ્યો ગયો.
અહો, જગતમાં તે ધર્માત્મા પુરુષ ધન્ય છે કે જે સમ્યગ્દર્શનરૂપી નિર્મળ રત્નથી
સુશોભિત છે, ઈન્દ્ર પણ જેની સ્તુતિ કરે છે અને દેવો આવીને જેની પરીક્ષા કરે છે છતાં
જેઓ તત્ત્વશ્રદ્ધાનમાં રંચમાત્ર ડગતા નથી. એવા ધર્માત્માઓના સમ્યગ્દર્શનાદિ ગુણો
જોઈને જિજ્ઞાસુઓનું હૃદય તેમના પ્રત્યે પ્રમોદથી ઉલ્લસ્યા વગર રહેતું નથી. શ્રી
વજ્રયુધકુમારનું નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન્ દરેક જિજ્ઞાસુ જીવોને અનુકરણીય છે.
* * *
ઉપરના પ્રસંગ પછી અમુક વખત બાદ, વજ્રયુધકુમારના પિતા (–શ્રી ક્ષેમંકર
તીર્થંકર) ને વૈરાગ્ય થતાં દેવો તેમનો દીક્ષાકલ્યાણક મહોત્સવ કરવા આવ્યા. ક્ષેમંકર
મહારાજા વજ્રયુધકુમારનો રાજ્યાભિષેક કરીને પોતે દીક્ષા લેવાને વનમાં ગયા. વનમાં
જઈને, સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા. અને પછી કેશલોચ
કરીને સર્વ પરિગ્રહ ત્યાગીને અત્યંત વિરક્ત ભાવથી ભગવતી દીક્ષા ધારણ કરી.
આત્મધ્યાનમાં લીનતા વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સમવસરણમાં
દિવ્યધ્વનિવડે ભવ્ય જીવોને ધર્મોપદેશ દેવા લાગ્યા.