: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૭ :
બાલવિભાગના સભ્યોને પત્ર
વહાલા ધર્મબંધુઓ,
મનમાં જરા ક્ષોભ સાથે તમને આ પત્ર લખું છું. બંધુઓ, આપ સૌ જાણો જ છો કે
દિન–પ્રતિદિન આપણા બાલવિભાગનું કામ કેટલું વધી રહ્યું છે! બાલવિભાગની ખૂબ વૃદ્ધિ
થાય એ તો બહુ સારૂં છે; પરંતુ સાહિત્યના બીજા કાર્યોની સાથે બાલવિભાગની વ્યવસ્થામાં
એકલા હાથે પહોંચી શકાતું નથી; તેથી છેલ્લા બે ત્રણ માસથી અવ્યવસ્થા થઈ છે;
જન્મદિવસના કાર્ડ મોકલી શકાયા નથી, નવા સભ્યોની નોંધ થઈ શકી નથી, વાંચકો સાથે
વાતચીત તેમજ અવનવા લેખો પણ આપી શકાયા નથી. આ અંકમાં પણ, બાલવિભાગ
આપવાની તીવ્ર ઉત્કંઠા છતાં આપી શકાતો નથી. તોપણ, આ અંકમાં બ્રહ્મચારી બહેનોની
પ્રતિજ્ઞાના સમાચાર તથા તમને ઉપયોગી થાય એવી બીજી અનેક સામગ્રી જોઈને તમને
સન્તોષ થશે; અને વળી એ જાણીને વિશેષ આનંદ થશે કે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનારા
બહેનોમાંથી કેટલાક તો આપણા બાલવિભાગના જુનાં સભ્યો છે. તમે તમારો ધાર્મિક ઉત્સાહ
વધારતા રહેજો. બાલવિભાગને જેમ બને તેમ તુરતમાં જ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીશ.–
તમે બધા જે સહકાર આપી રહ્યા છો ને લાગણી બતાવી રહ્યા છો તે બદલ આભાર. जय
जिनेन्द्र –તમારો ભાઈ હરિ.
*
રે આત્મા!
તારા જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો બન્યા હોય, ને વૈરાગ્યની સિતાર જ્યારે
ઝણઝણી ઊઠી હોય...એવા પ્રસંગની વૈરાગ્યધારાને બરાબર જાળવી રાખજે, ફરીફરી તેની ભાવના
કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તારી ઉગ્ર વૈરાગ્યભાવનાને
અનુકૂળતા વખતે પણ જાળવી રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં.
વળી કલ્યાણકના પ્રસંગોને, તીર્થયાત્રા વગેરે પ્રસંગોને, ધર્માત્માઓના સંગમાં થયેલા
ધર્મચર્ચા વગેરે કોઈ અદ્ભુત પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયસંબંધી જાગેલી કોઈ
ઉર્મિઓને, તથા તેના પ્રયત્ન વખતના ધર્માત્માઓના ભાવોને–યાદ કરીને ફરી ફરીને તારા
આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે.