: પ૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
બોધિ નિમિત્તે દ્રઢ વૈરાગ્યભાવનાનો ઉપદેશ
ભાવપ્રાભૃત ગા. ૧૧૦ માં પરમ વૈરાગ્યનો ઉપદેશ આપતાં શ્રી
કુંદકુંદપ્રભુ કહે છે કે હે જીવ! તેં સંસારને અસાર જાણીને સ્વરૂપને સાધવા
માટે જ્યારે વૈરાગ્યથી મુનિદીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ
નિમિત્તે તું યાદ કર...ફરી ફરી તેની ભાવના ભાવ. વિશુદ્ધ ચિત્તથી એટલે કે
સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના
કર. મુનિપણાની દીક્ષા વખતે આખા જગતથી ઉદાસ થઈને સ્વરૂપમાં જ
રહેવાની કેવી ઉગ્ર ભાવના હતી!–જાણે કે સ્વરૂપથી બહાર હવે કદી આવવું જ
નથી. આવા ઉત્તમ પ્રસંગે જાગેલી વૈરાગ્યભાવનાને હે જીવ! ફરી ફરીને તુંં
ચિદાનંદસ્વભાવને જ સાર જાણ્યો ને સંસારને અસાર જાણ્યો તે જીવ ચૈતન્યની
ઉગ્ર ભાવનાવડે ભાવશુદ્ધિ પ્રગટ કરે છે. ચિદાનંદ સ્વભાવ પવિત્ર–અકષાય છે, તેની
ભાવનાથી કષાયો નષ્ટ થઈને સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા
માટે જે વૈરાગ્યની ધારા ઉલ્લસી, કે રોગના કાળે જૈ વૈરાગ્યભાવના જાગી કે મરણપ્રસંગ
આવી પડે તે વખતે જેવી વૈરાગ્ય ભાવના હોય એવા વૈરાગ્યને તું સદાય નિરંતર
ધ્યાનમાં રાખીને વારંવાર ભાવના ભાવજે. વૈરાગ્યભાવનાને શિથિલ થવા દઈશ નહિ.
જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે
પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા વિશેષ ઉપડે છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્તધ્યાન ન કરે
પણ સ્વભાવ તરફ ઝૂકે ને તીવ્ર વૈરાગ્યવડે રત્નત્રયની આરાધનાને પુષ્ટ કરે. મુનિની
જેમ શ્રાવકને પણ આ ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની નિર્મળતા પ્રગટ
કરી, સંસારને અસાર જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ,
વૈરાગ્યના પ્રસંગને યાદ કરીને તેની ભાવના ભાવ કે જેથી તારા રત્નત્રયની શુદ્ધતા
થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું...એને ઓળખીને તું સારભૂત
આત્માની ભાવના કર.
દીક્ષા વખતના ઉગ્ર વૈરાગ્ય પ્રસંગની વાત લઈને આચાર્યદેવ કહે છે કે અહા,
દીક્ષા વખતે શાંત ચૈતન્ય દરિયામાં લીન થઈ જવાની જે ભાવના હતી, જાણે કે
ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન આવું, એવી વૈરાગ્યભાવના હતી, તે વખતની
વિરક્તદશાની ધારા તું ટકાવી રાખજે... જે સંસારને છોડતાં પાછું વાળીને જોયું નહિ,
વૈરાગ્યથી ક્ષણમાં સંસારને છોડી દીધો, હવે આહારાદિમાં ક્યાંય રાગ કરીશ નહીં. તેમ
જેણે ચૈતન્યને સાધવો છે તેણે આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્યભાવનાથી
સારભૂત ચૈતન્યરત્નની ભાવના વડે સમ્યગ્દર્શનાદિની શુદ્ધતા પ્રગટ કરવી. *