Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
તો તેનું કાર્ય શું? શક્તિનું નિર્મળ કાર્ય પર્યાયમાં પ્ર્રગટે છે, તેને પરની સાથે કારણ–
કાર્યપણું નથી. વસ્તુનો સ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે. દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે સત્ છે. દ્રવ્ય–ગુણનો લાભ પર્યાયમાં આવે ત્યારે દ્રવ્યની સાચી શ્રદ્ધા કહેવાય.
આવી શ્રદ્ધા તે મોક્ષનું બીજ છે. નિર્મળ પર્યાયપૂર્વક જ દ્રવ્ય પ્રતીતમાં આવે છે. એકલી
મલિનતારૂપે પરિણમતો હોય ને તે પર્યાયમાં દ્રવ્યની પ્રતીત થઈ જાય–એમ બનતું નથી.
મલિનતામાં એવી તાકાત નથી કે શુદ્ધ દ્રવ્યસ્વભાવને ઝીલી શકે. સ્વસન્મુખ થયેલી
નિર્મળ પર્યાયમાં જ એ તાકાત છે. દ્રવ્યસન્મુખ થઈને તેને પ્રતીતમાં લેતાં જ પર્યાય
નિર્મળ થઈ જાય છે.
શુદ્ધદ્રવ્ય અમને પ્રતીતમાં આવ્યું છે પણ પર્યાયમાં શુદ્ધતા જરાય દેખાતી નથી,
એમ કોઈ કહે તો તેની વાત ખોટી છે. શુદ્ધદ્રવ્યની તેની પ્રતીત પણ કલ્પનારૂપ છે.
શુદ્ધદ્રવ્ય પ્રતીતમાં લ્યે ને પર્યાયમાં તેની પ્રસિદ્ધિ (પરિણમન) ન થાય એમ બને નહીં.
નિર્મળ પર્યાય વગર દ્રવ્યને પ્રતીતમાં લીધું કોણે? નિર્મળપર્યાય વગરનું એકલું દ્રવ્ય
પ્રતીતમાં આવતું નથી. સ્વસન્મુખ થઈને શુદ્ધઆત્માની પ્રતીત કરતાં નિર્મળ પર્યાયપણે
આત્મા પરિણમી જાય છે, એટલે અનંત ગુણનો વૈભવ કોઈના કારણ–કાર્ય વિના જ
પ્રસિદ્ધ થાય છે.
*
सन्तकी पहचान मुझे आनन्द देती है।
હે ચૈતન્યદ્રષ્ટિધારક સમ્યગ્દ્રષ્ટિ સંત! તારી અંર્તદ્રષ્ટિ કોઈ અનેરી છે,
તારી આત્મપરિણતિની રીત અટપટી છે; ઈન્દ્રિયથી અગોચર એવી તારી
અંતરપરિણતિની ઓળખાણ બાહરની દ્રષ્ટિવડે થતી નથી, એકલી
બહારની ચેષ્ટાઓવડે તારી અંર્તદ્રષ્ટિના ભાવો ઓળખાતા નથી.
ગૃહવાસમાં વસતા છતાં તારી આત્મસ્પર્શી પરિણતિ ગૃહથી અલિપ્ત છે.
બહારના સંયોગમાં કદાચ અસાતાજન્ય દુઃખ દેખાય પણ તારી
અંતરપરિણતિ તો ચૈતન્યના સુખરસને ગટગટાવી રહી છે. તારી
પરિણતિમાં વિકારથી જુદી જ એક ઉપશાંત–જ્ઞાનધારા સદાય વર્તી રહી
છે,–જેના બળે તું સંયોગથી ને વિભાવોથી સદાય અલિપ્ત રહે છે. વાહ રે
વાહ, સંત! તારી અંતરની એ ધારાને ઓળખાતાં મારો આત્મા પણ
જાણે સર્વે પરભાવોથી જુદો પડી જાય છે...ને આનંદની મધુર ઉર્મિઓ
જાગે છે.–તારા ચરણમાં બહુ ભક્તિથી મારો આત્મા નમી પડે છે.