Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૧ :
ટી. બી. ની ઈસ્પિતાલમાં એક પ્રસંગ–
જ્યાં સંતના દર્શને દેહનાં ર્દ ભૂલાઈ જાય છે,
ને સ્વાનુભૂતિની ભાવના જાગે છે
ગત આસો માસમાં ગુરુદેવ અમરગઢની ઈસ્પિતાલની મુલાકાતે પધારેલા. ત્યાંના અનેક
દરદીઓ ગુરુદેવના દર્શન કરીને આનંદિત થયા...અહા! ઈસ્પિતાલની ટી. બી. ની પથારી વચ્ચે
પણ અમને આવા સંતના દર્શન ક્્યાંથી!! –એમ તેઓ ઉલ્લાસમાં આવી ગયા ને દેહનું દરદ તો
ક્ષણભર ભૂલાઈ ગયું.
તે વખતે રાજસ્થાનના એક જિજ્ઞાસુ ભાઈ, –કે જેઓ ઈસ્પિતાલમાં ટી. બી.ની સારવાર
લઈ રહ્યા છે, તેમણે ગુરુદેવને પૂછયું– સ્વાનુભૂતિ વખતે અબુદ્ધિપૂર્વક રાગ હોય? ગુરુદેવે જવાબ
આપતાં કહ્યું–ભાઈ, એ કાળે અબુદ્ધિપૂર્વક રાગ વર્તે ભલે, પણ સ્વાનુભૂતિમાં તો તે રાગનો
અભાવ છે, સ્વાનુભૂતિમાં તો રાગ વગરનો ચૈતન્યમય આત્મા જ પ્રકાશે છે, અબુદ્ધિપૂર્વકનો રાગ
પણ સ્વાનુભૂતિથી જુદો જ રહે છે. આ ઉપરાંત જ્ઞાની જ્યારે સ્વાનુભૂતિમાં ન હોય ને
બુદ્ધિપૂર્વકનો રાગ વર્તતો હોય ત્યારે પણ તે જ્ઞાની તે રાગને ભિન્નપણે જ જાણે છે, તે રાગ સાથે
જ્ઞાનની એકતા તે વખતેય તેમને ભાસતી નથી. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાન અને રાગની એકતાને છેદી
નાંખી છે, તેમાં ફરીને હવે જ્ઞાનીને એકતા થતી નથી.
ઈસ્પિતાલના બીજા એક ગુજરાતી ભાઈએ પૂછયું કે–આ દેહ ઉપર લક્ષ જાય છે ને આત્મા
ઉપર લક્ષ કેમ નથી જાતું? ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ, આ દેહ અને આત્મા જુદા છે–તેની
પહેલાંં ઓળખાણ થવી જોઈએ, આત્મા તો જ્ઞાનસ્વરૂપ જાણનાર છે, તે આ શરીરથી ભિન્ન છે.
–એમ સત્સમાગમે વારંવાર અભ્યાસ કરે તો આત્મા લક્ષમાં આવે, ને આ દેહબુદ્ધિ છૂટી જાય.
વાહ, ટી. બી. ની ઈસ્પિતાલ વચ્ચેય જ્યાં દર્દીઓ દેહથી ભિન્ન આત્માને યાદ કરે છે,
તથા દેહાતીત ને રાગાતીત સ્વાનુભૂતિની ચર્ચા ચાલે છે ને દર્દીઓ દેહની ચિંતા છોડીને હોંશથી તે
ચર્ચા સાંભળે છે, –ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીનું એ વચન યાદ આવે છે કે ‘સદ્ગુરુવૈદ્ય સુજાણ’
આત્માને
ભવરોગ મટાડવા માટે સદ્ગુરુજ્ઞાની એ જ સાચા વૈદ્ય છે. અને, પરમ શાંતરસથી
ભરેલા વીતરાગનાં વચનામૃત એ જ આ ભવરોગને મટાડવાની પરમ ઔષધિ છે. તેના વિચાર
ને તેનું ધ્યાન કરવા જેવું છે. જ્ઞાની કહે છે કે હે ભાઈ! દેહને અર્થે તો આત્મા અનંતવાર ગાળ્‌યો,
પણ હવે એકવાર આત્માને અર્થે દેહ એવી રીતે ગાળ કે જેથી ફરીને દેહ મળે જ નહીં.