: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૭ :
H શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત H
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ થી)
(પ૧) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું
નહીં; પણ આ મનુષ્યદેહે કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા,
તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. (૬૯૨)
(પ૨) દુર્લભયોગ જીવને પ્રાપ્ત થયો, તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મુંઝાવા જેવું
અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. (૮૨૯)
(પ૩) હે આત્મન્! તેં આ મનુષ્યપણું કાકતાલીયન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં
પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. (૧૦૨)
(પ૪) જે અનિત્ય છે, જે અસાર છે, અને જે અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ
થાય છે? તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. (૮૧૦)
(પપ) અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે; જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે
આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વે દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર
આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (૭૧૯)
(પ૬) એક ભવના થોડા સુખને માટે અનંત ભવનું દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે
છે. (૪૭)
(પ૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ,
કારણ અનંતભવ એકભવમાં ટાળવા છે. (૮૪)
(પ૮) જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ–વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ
આત્મામાં સ્થાપવું જોઈએ, નહિ તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. એ નીતિ મુકતાં
પ્રાણ જાય, એવી દશા આવ્યે ત્યાગ–વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે; અને તે જ જીવને
સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય
છે. (૪૯૬)
(પ૯) ગૃહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભધ્યાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તો
તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે; જે અમુક નિયમમાં
‘ન્યાય–સંપન્ન આજીવિકાદિ વ્યવહાર’ તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. (૮૭૨)