માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૭
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક–પ૭) (અંક ૨૮૯ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
[વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ૧૧]
હવે અભિન્ન ઉપાસનાનું દૃષ્ટાંત તથા ફળ કહે છે–
उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा
मथित्वात्मानमात्मैव जायतेऽग्नि यथातरुः।। ९८।।
આત્માની ઉપાસનામાં, ભિન્ન ઉપાસના અને અભિન્ન ઉપાસના એમ બે પ્રકાર છે;
અર્હંત–સિદ્ધના સ્વરૂપને જાણીને તેવા પોતાના સ્વરૂપને ધ્યાવવું તે ઉપાસના છે; તેમાં
અરિહંતની ઉપાસના કહેવી તે ભિન્ન ઉપાસના છે, ને પોતાના સ્વરૂપની ઉપાસના કહેવી તે
અભિન્ન ઉપાસના છે. ભિન્ન ઉપાસનાની વાત ૯૭મી ગાથામાં કરી; અને વાંસમાંથી સ્વંય
અગ્નિ થાય છે તે દૃષ્ટાંતે અભિન્ન ઉપાસનાનું સ્વરૂપ આ ગાથામાં સમજાવે છે.
જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતે પોતાની સાથે જ ઘસારા
વડે અગ્નિરૂપ થઈ જાય છે; તેમ આત્મા બીજા કોઈના અવલંબન વગર, પોતે પોતામાં જ
એકાગ્રતાના મથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે, તે
વાંસ ઘસારા વડે પોતે વ્યક્ત અગ્નિરૂપ પરિણમી જાય છે; તેમ આત્મામાં પરમાત્મદશા
શક્તિરૂપે પડી છે, તે પર્યાયને અંતરમાં એકાગ્ર કરીને સ્વભાવનું મથન કરતાં કરતાં આત્મા
પોતે પરમાત્મદશારૂપ પરિણમી જાય છે. આમાં જે ત્રિકાળ શક્તિ છે તે શુદ્ધઉપાદાન છે, ને
પૂર્વની મોક્ષમાર્ગરૂપ પર્યાય તે વ્યવહારકારણ છે તેથી તેને નિમિત્ત પણ કહેવાય, ત્રિકાળરૂપ
જે શુદ્ધ સ્વભાવ છે તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. તે કારણસ્વરૂપમાં એકાગ્ર થતાં મોક્ષ થાય
છે. અહીં તો અભિન્ન ઉપાસના બતાવવી છે, એટલે આત્મા પોતે પોતામાં એકાગ્રતા વડે
પોતાની ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. જુઓ, આ સીધો સટ મોક્ષનો માર્ગ!
આત્માની ઉપાસના તે જ મોક્ષનો સીધો અને અફર માર્ગ છે.
જુઓ, આમાં નિશ્ચય–વ્યવહાર કઈ રીતે આવ્યા? ત્રિકાળ કારણપરમાત્મા ભૂતાર્થ–