૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
શુભ કે અશુભ પરિણામ તથા તે સંબંધી બાહ્ય ક્રિયા, તો અજ્ઞાનીને હોય,
જ્ઞાનીને પણ હોય, બંનેને એક સરખા જેવું દેખાય, પણ તે જ વખતે અંતરની
પરિણામધારામાં બંને વચ્ચે મોટો ફેર છે. જ્ઞાનીનું જ્ઞાન તો તે જ વખતે રાગાદિથી વેગળું
રહીને પરિણમે છે, ને અજ્ઞાની રાગાદિમાં તન્મયબુદ્ધિથી વર્તે છે; એટલે જ્ઞાની જ્ઞાનમય
પરિણામમાં અબંધપણે વર્તી રહ્યા છે, ને અજ્ઞાની રાગાદિ બંધભાવોમાં વર્તી રહ્યો છે,
જ્ઞાન ને રાગની ભિન્નતા લક્ષમાં આવ્યા વગર જ્ઞાની અને અજ્ઞાનીનો આ ફેર સમજાય
નહિ. જ્ઞાનીને જે ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન શુભાશુભ વખતેય ખસતું નથી, શુભાશુભમાં
તેનું જ્ઞાન ભળી જતું નથી પણ ભિન્ન જ રહે છે. આવી ભિન્નતાનું ભાન તે જ્ઞાનચેતના
છે; ને આવી જ્ઞાનચેતના બંધનું કારણ થતી નથી. જ્ઞાનીને જ આવી જ્ઞાનચેતના હોય
છે.
નિર્વિકલ્પતા વખતે જ ધર્મીને જ્ઞાનચેતના હોય ને અશુભ કે શુભરાગ વખતે તે
જ્ઞાનચેતના ચાલી જાય–એમ નથી. ચૈતન્યસ્વભાવને અવલંબનારી જ્ઞાનચેતના તેને
સદાય વર્તે છે. રાગ વખતે તેની ચેતના રાગમય થઈ જતી નથી, પણ રાગથી ભિન્ન
શુદ્ધાત્માને ચેતતી થકી તે ચેતના તો ચેતનામય જ રહે છે. માટે જ્ઞાનીને સદાય
ચેતનભાવરૂપ પરિણામ વર્તે છે. તે ભાવ બંધનું કારણ નથી, તે અબંધભાવ છે, ને તે
મોક્ષનું કારણ છે.
અહો, ચૈતન્યસ્વભાવનો જેને પ્રેમ જામ્યો છે તેનાં પરિણામ તેવી જાતનાં જ હોય
છે. દ્રવ્યનો એવો જ શુદ્ધસ્વભાવ છે કે તેના આશ્રયે શુદ્ધતા જ પરિણમે છે, અને
રાગાદિમાં તન્મયબુદ્ધિથી અજ્ઞાનીને બધા અશુદ્ધપરિણામ જ થાય છે, તે અજ્ઞાનમય જ
છે. જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં આ મોટો ફેર છે. અજ્ઞાની ભિન્નજ્ઞાનને ભૂલીને
રાગાદિ બંધભાવના અનુભવમાં જ અટકી જાય છે એટલે તેને બંધન જ થાય છે, શુદ્ધતા
જરાય થતી નથી. અને જ્ઞાની તો રાગથી ભિન્ન જ્ઞાનમયભાવમાં પરિણમતો થકો
મોક્ષને સાધે છે, તેને બંધન થતું નથી, તેને શુદ્ધતા થતી જાય છે. આ રીતે જ્ઞાનીના બધા
ભાવો જ્ઞાનમય છે; એવી જ્ઞાનચેતનાનો કોઈ અપાર મહિમા છે કે જે મોક્ષને સાધે છે.
(जय जिनेन्द्र)