Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧
વસ્તુમાં તન્મય ઉપયોગ થયો ત્યાં વિકલ્પ છૂટી ગયા ને અભેદ અનુભૂતિ થઈ. –તે
વખતે શાંતચિત્ત થયેલો તે જીવ ચૈતન્યના સાક્ષાત્ અમૃતને પીએ છે. –તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે.
એક સત્ત્વને અનેક પ્રકારે કલ્પનામાં લેતાં પક્ષપાત થાય છે–વિકલ્પ થાય છે; તે
અનેકરૂપ કલ્પનાથી રહિત થઈને ઉપયોગ જ્યાં એકરૂપ વસ્તુમાં એકાગ્ર થયો ત્યાં
શુદ્ધસ્વરૂપ અનુભવાય છે ને નિર્વિકલ્પ શાંતરસ ઉલ્લસે છે. આવો અનુભવ થયો ત્યારે
સમ્યગ્દર્શન થયું, ત્યારે પરમાર્થદર્શન થયું ને ત્યારે મોક્ષમાર્ગ ખૂલ્યો. તેથી આવો
અનુભવશીલ જીવ પરમ સુખી છે.
અરે, આ આત્માની પોતાની અંદરની વાત, તે કેમ ન સમજાય? પોતાનું જેવું
શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્યાં લક્ષમાં આવે ત્યાં વિકલ્પ છૂટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવમાં અતીન્દ્રિય આનંદ થાય છે. એ આનંદના સ્વાદમાં કોઈ રાગની–વિકલ્પની
અપેક્ષા નથી. એ આનંદનો અનુભવ પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, ઈન્દ્રિયોનું
તેમાં આલંબન નથી, મનના વિકલ્પોની તેમાં અપેક્ષા નથી. આવો અનુભવ તે મહાન
સુખ છે.
આત્માનો સ્વભાવ મોહ રહિત છે. તે મોહ રહિત છે–એ વાત સાચી, પણ ‘મોહ
રહિત છું’ એવો તેનો વિકલ્પ તે કાંઈ આત્મા નથી, તે વિકલ્પના પરિણમનમાં ઊભો
રહીને આત્મા અનુભવાતો નથી. અકર્તા–અભોક્તાના વિકલ્પોવડે અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થતું નથી. પણ વિકલ્પથી જુદો પડીને વસ્તુમાં જતાં અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થઈ જાય છે. વિકલ્પથી જુદો ઉપયોગ અંતરમાં સાક્ષાત્ શુદ્ધાત્માને સંચેતે છે–
અનુભવમાં લ્યે છે. આવો અનુભવ તે ધર્મ છે; ને આવો એકક્ષણનો ધર્મ કેવળજ્ઞાનને
શીઘ્રપણે બોલાવે છે કે ઝટ આવ!
મોહરહિતના વિકલ્પમાં અટકવું તે પણ મોહ જ છે. તે વિકલ્પમાં અટકેલા જીવને
અનુભવરૂપ પરિણમન થતું નથી પણ મોહરૂપ પરિણમન થાય છે. વસ્તુને અનુભવમાં
લ્યે તો વિકલ્પ તૂટીને આનંદ અનુભવાય. ભાઈ, શેમાં ઊભો રહીને તારે વસ્તુને
અનુભવમાં લેવી છે?–તો એમ અનુભવ નહિ થાય. વિકલ્પમાં વસ્તુ નહિ અનુભવાય;
વસ્તુ તો વસ્તુમાં સીધો ઉપયોગ જોડતાં અનુભવાશે. વિકલ્પમાં શુદ્ધ વસ્તુનું પરિણમન