Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩
અનુભવ કેટલા દિ’ માં થાય?
આત્માને અનુભવમાં લેવાનો આ અવસર છે. માટે
હે વાલીડા! આળસ કરીશ મા...પ્રમાદી થઈશ મા.
અહો, સ્વાનુભૂતિમાં આત્માની પ્રસિદ્ધિ થાય છે. તે મહા આનંદદાયક છે.
સન્તોએ પોતાના અનુભવમાં લઈને આવો આત્મા પ્રસિદ્ધ કર્યો છે, અને
વાણીદ્વારા જગતના જીવોને માટે પણ તે પ્રસિદ્ધ કર્યો છે. સમયસારની આ ટીકાનું
નામ
आत्मख्याति છે, આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ, આત્માનો અનુભવ.
–તેની રીત સન્તોએ બતાવી છે. આ સમયસારમાં તેનું ઉત્કૃષ્ટ વર્ણન છે. જેમ
ચક્રવર્તીના નવનિધાન અખૂટ છે, તે કદી ખૂટતા નથી, તેમ આત્મામાં અપાર
અક્ષય ચૈતન્યનિધાન છે, અનુભવદ્વારા તેને ખોલ્યા જ કરો પણ તે કદી ખૂટતા
નથી. જગતને આવો આત્મવૈભવ સર્વજ્ઞદેવે ખુલ્લો કરીને બતાવ્યો છે. અહો, આ
તો વીતરાગી સન્તોના અંતરના અનુભવની વાત છે. આના ભાવો સમજવા માટે
અંતરમાં ઘણું ઊંડું મંથન માંગે છે. અંદરમાં મંથન વગર આવો આત્મા અનુભવમાં
આવે નહીં. આત્માની સમજણ માટે ને અનુભવ માટે અંદરમાં ઘણો ઉગ્ર પ્રયત્ન
હોય છે; જગતથી કેટલી ઉદાસીનતા ને ચૈતન્યની કેટલી પ્રીતિ હોય! ત્યારે આત્મા
અનુભવમાં આવે.
કેટલા દિ’ માં અનુભવ થાય?
જેવી પોતાની રુચિની ઉગ્રતા. કોઈને અંતર્મુહૂર્તમાં જ અનુભવ થાય છે.
પણ એને માટે મુદત ન હોય કે આટલા દિવસમાં અનુભવ થઈ જાય તો જ કરવો
છે. રુચિવાળી વસ્તુના પ્રયત્નમાં હદ ન હોય, કાળની મર્યાદા ન હોય. જો કે ખરા
મુમુક્ષુને રુચિની ઉગ્રતા તો એવી હોય કે આજે જ અત્યારે જ આત્મામાં ઊતરીને
તેને અનુભવમાં લઉં. પછી પ્રયત્ન ઉપડતાં ઉપડતાં જરાક વાર લાગે તો તે થાકીને
પ્રયત્ન છોડી દેતા નથી, પણ વધુ ને વધુ ઉગ્ર પ્રયત્ન વડે ઉદ્યમ કરીને અંતે સાક્ષાત્
આત્માનો અનુભવ કરે છે.