૧૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
સાચી રુચિના પ્રયત્ન વડે એવો અનુભવ જરૂર થાય છે. ખરો આત્માર્થી એવા દ્રઢ
નિશ્ચયવાળો હોય છે કે અંર્તદ્રષ્ટિથી આત્માને દેખ્યે છૂટકો, ત્યાં સુધી બહાર નીકળવું
નથી, રુચિને બીજે ક્્યાંય જવા દેવી નથી. એકધારો આવો પ્રયત્ન કરનારને
આત્માના આનંદની પ્રાપ્તિ જરૂર થાય છે. આ અંતરના ઉગ્ર પ્રયત્ન વગર આત્મા
અનુભવમાં આવે નહીં. ભાઈ, વિકલ્પાતીત ભગવાન આત્મા, આનંદનો નાથ, તેને
તેં પૂર્વે કદી અનુભવમાં લીધો નથી, તેને અનુભવમાં લેવાનો આ અવસર છે. માટે હે
વાલીડા! અત્યારે તું આળસ કરીશ નહીં, પ્રમાદી થઈશ મા. (આત્મવૈભવ)
• આત્માની પર્યાયને અંદરમાં વાળીને જે આત્માના આનંદનું વેદન આવે, તે
વેદન કરનાર જીવ તત્ત્વવેદી છે.
• ચૈતન્યને સ્પર્શતાં વિકલ્પ તૂટતાં આનંદનું વેદન રહ્યું, આ જ ધર્મી જીવનું
વેદન છે.
• અહા, ચૈતન્યના આનંદની વાત અંતરના પ્રેમથી જીવે કદી સાંભળી નથી.
• વિકલ્પના વેદનમાં ઊભો છે ત્યાંથી ખસીને ચૈતન્યના વેદનમાં જ્યાંસુધી ન
આવે ત્યાંસુધી નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય નહિ, ને વિકલ્પનું
કર્તાપણું છૂટે નહિ.
• ચૈતન્યના આનંદમાં પ્રવેશ કરવાની આ વાત છે.
• વિકલ્પ કે જે પોતાના સ્વભાવની ચીજ નથી, તેના વડે સ્વભાવમાં પ્રવેશ
થઈ શકે નહીં, ચૈતન્યભાવ વડે જ ચૈતન્યમાં પ્રવેશ થઈ શકે.
• ધર્મી જીવ ચૈતન્યભાવવડે પક્ષાતિક્રાન્ત થઈને પોતાના શુદ્ધસ્વરૂપને વેદે છે.
• વિકલ્પનો સ્વાદ ને ચૈતન્યનો સ્વાદ જ અત્યંત જુદો છે; ચૈતન્યનો સ્વાદ
અત્યંત મધુર શાંતરસમય છે; વિકલ્પનો સ્વાદ આકુળતામય છે.
• ચૈતન્યસ્વભાવના લક્ષે જે ઊપાડયો તે ચૈતન્ય પરિણામને એકાગ્ર કરીને
આનંદને અનુભવશે...તેમાં વિકલ્પનો અભાવ છે. –આવી અનુભૂતિ તે
ધર્મીનું વેદન છે. અંદરમાં આવી અનુભૂતિ વગર કોઈ ધર્મ થવાનું માને તો
તે કલ્પનામાત્ર છે.
• વિકલ્પમાં ઊભો રહીને કરેલો નિર્ણય તે સાચો નિર્ણય નથી; સ્વરૂપસન્મુખ
થઈને કરેલો નિર્ણય તે સાચો નિર્ણય છે. એવો નિર્ણય કરીને ધર્મી નિર્વિકલ્પ
થઈને આત્માના આનંદને અનુભવે છે. –એ તત્ત્વવેદી ધર્માત્માનું અપૂર્વ
વેદન છે. (કળશ ટીકા–પ્રવચનમાંથી)