Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
૨૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
તરીકે વર્ણવ્યા હોય તો તે ઉપચારથી જ છે એમ જાણવું, ને પોતાનો શુદ્ધઆત્મા પરમાર્થ
સાધન છે–તે સત્યાર્થ છે એમ જાણવું.
તીર્થંકરપ્રભુના પંચકલ્યાણક વગેરે વિભૂતિનું દર્શન તે સમ્યક્ત્વનું કારણ છે–એનું
શાસ્ત્રમાં ઘણું વર્ણન આવે છે, પણ અંદરમાં સાધનશક્તિવાળા આત્માને લક્ષમાં રાખીને
એ બધું સમજવું જોઈએ. અંદરમાં નિજાત્માનું લક્ષ જેને નથી તેને બહારના સાધનો
ઉપચારથી પણ સમ્યક્ત્વનું સાધન થતા નથી. ઉપચાર પણ ખરેખર ત્યારે લાગુ પડે કે
જ્યારે અંદરમાં પોતાને પરમાર્થનું લક્ષ હોય. જો ઉપચારને જ પરમાર્થ માની લ્યે ને
સાચા પરમાર્થને ભૂલી જાય તો તો તે યથાર્થવસ્તુને ક્યાંથી સાધી શકે? ભાઈ, આ તો
વીતરાગી જિનમાર્ગ છે, એનાં રહસ્યો ઊંડાં છે. પોતાના સ્વભાવના ભરોસા વગર
જિનમાર્ગમાં એક પગલુંય ચલાશે નહીં.
આત્મશક્તિમાં જે તાકાત ભરી છે તેના ભરોસે શુદ્ધતા પ્રગટે છે. વિશ્વાસે વહાણ
તરે, –કોનો વિશ્વાસ? કે પોતાના આત્માના વૈભવનો વિશ્વાસ. મારામાં કરણશક્તિ છે
એટલે હું જ સાધન છું, બીજા કોઈ સાધનની મને જરૂર નથી–એમ નિજસ્વભાવનો
વિશ્વાસ આવતાં તે જીવ પરાશ્રય છોડીને સ્વાશ્રયે શુદ્ધતારૂપ પરિણમે છે ને તેનું વહાણ
ભવસમુદ્રથી તરી જાય છે. જુઓ, આ તરવાનો ઉપાય! તે–તે સમયના નિર્મળભાવરૂપે
પરિણમતો આત્મા સ્વયં સાધન છે. જ્ઞાનશક્તિ વડે આત્મા પોતે પરિણમીને
કેવળજ્ઞાનનું સાધન થાય છે; આનંદશક્તિવડે આત્મા પોતે સાધન થઈને અતીન્દ્રિય
આનંદરૂપે પરિણમે છે; શ્રદ્ધાશક્તિવડે આત્મા પોતે સાધન થઈને ક્ષાયિક સમ્યક્ત્વરૂપ
પરિણમે છે. આમ સર્વે ગુણોમાં પોતપોતાની નિર્મળપર્યાયનું સાધન થવાની તાકાત છે.
સમજાવવા માટે જુદા જુદા ગુણભેદથી વાત કરી, બાકી તો કરણશક્તિવાળા
અભેદઆત્મામાં બધા ગુણ–પર્યાયો સમાઈ જાય છે. આવા અભેદ આત્માને જાણવો–
માનવો–અનુભવવો તે મોક્ષમાર્ગ છે.
હે જીવ! તારા આત્મામાં કેવી શક્તિ છે તેને તું જો, તો સ્વકાર્યને સાધવા માટે
તારે કોઈ બીજાની મદદ માગવી નહિ પડે. આત્માની જે કરણશક્તિ છે તે જ સ્વકાર્યને
સાધનારી ઈષ્ટદેવી છે, બીજી કોઈ દેવીને ધર્મીજીવ સ્વકાર્યનું સાધન માનતા નથી.
કરણશક્તિરૂપી દેવીને ઉપાસીને, એટલે કે કરણશક્તિવાળા આત્માને ધ્યેયરૂપ બનાવીને
ધર્મી પોતાના સ્વકાર્યને સાધે છે.