Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
વૈ રા ગ્ય સ મા ચા ર
ગત કારતક સુદ પૂનમના રોજ રાણપુરના શેઠશ્રી પ્રેમચંદભાઈ મગનલાલ
સોનગઢ–મુકામે એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. હજી તો સાંજે પાંચ વાગ્યા
સુધી પૂ. ગુરુદેવના ચરણસાન્નિધ્યમાં બેસીને વાતચીત કરતા ને પછી મુ. શ્રી રામજીભાઈ
સાથે ચાલીને ઘરે જતા દેખાયેલા પ્રેમચંદભાઈ, પોણા સાત વાગે તો સ્વર્ગવાસ પામી
ગયા. એ વાત સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. તેઓ છેલ્લા દિવસે પરોઢિયે ભાવનગર
ગોદિકાજીનું સન્માન કરવા ગયા, પ્રવચનમાં આવ્યા; બપોરે પ્રવચનમાં પણ હંમેશ મુજબ
તેમણે પોતાનો પ્રમોદ વ્યક્ત કર્યો, ભક્તિમાં આવ્યા, ભક્તિ પછી ગુરુદેવ પાસે પાંચ
વાગ્યા સુધી બેઠા...રામજીભાઈ સાથે વાત કરતાં કરતાં ઘેર ગયા, જમતી વખતે કહ્યું કે
છાતીમાં જરા દુઃખે છે, જમ્યા પછી આરામ કરવા બેઠા...‘આત્મસિદ્ધિ’ વાંચતા હતા, પાણી
પીધું ને ઓડકાર આવ્યો...કે બીજી જ પળે ખેલખલાસ! –પ્રેમચંદભાઈનું પ્રાણપંખેરૂં
પળમાત્રમાં ઊડી ગયું. તે સાંભળતાં જ પૂ. ગુરુદેવ, રામજીભાઈ વગેરે સૌ ત્યાં પહોંચી
ગયા હતા...ને ત્યાં ઘેરા વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું હતું.
શ્રી પ્રેમચંદભાઈ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના શરૂઆતથી જ ટ્રસ્ટી હતા, તેમજ
જૈન અતિથિ સેવા સમિતિનું પણ તેઓ સંચાલન કરતા. અનેક વર્ષોથી તેઓ સોનગઢમાં
જ રહેતા, અને તેમણે સોનગઢ સંસ્થાની ઘણા પ્રકારે સેવા કરી છે. રાણપુર મુમુક્ષુમંડળના
પણ તેઓ પ્રમુખ હતા ને ત્યાંના જિનમંદિર વગેરે કાર્યોમાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો
હતો. પરિવર્તન પહેલાંં પણ ઘણા વર્ષોથી તેઓ ગુરુદેવના પરિચયમાં આવેલા, ને હરેક
પ્રસંગે ઘણા ભક્તિભાવપૂર્વક સેવા કરતા. ખાસ કરીને ગુરુદેવ જ્યારે વિહાર કરતા ત્યારે
પોતે પગે ચાલીને સાથે ને સાથે રહેતા ને બધી વ્યવસ્થા સંભાળતા. કાને સાંભળવાની
ઘણી તકલીફ છતાં તેઓ મશીન રાખીને પણ ઘણા રસપૂર્વક પ્રવચનો સાંભળતા.
સ્વાધ્યાયનો પણ તેમણે ઘણો પ્રેમ હતો. તેમાંય ખાસ કરીને ‘આત્મધર્મ’ નું વાંચન તેમને
ખૂબ પ્રિય હતું ને ફરીફરી તેનું વાંચન કર્યા જ કરતા. સ્વર્ગવાસના આઠેક દિવસ પહેલાંં તો
તેમણે આત્મધર્મના ૧ થી ૨પ વર્ષ સુધીના બધા અંકોનું નવેસરથી વાંચન શરૂ કરેલું. દરેક
મહિને નવો અંક વાંચીને પોતાનો પ્રમોદ વ્યક્ત કરવાનું તેઓ ચુકતા નહિ. ‘આત્મધર્મના
સૌથી વધુ વાંચનારા’ કદાચ તેઓ હશે. સંસ્થામાં આંટીઘૂંટીનું કોઈ પણ કામ આવે તો
તેઓ વ્યવહારકુશળતાથી તે ઉકેલી આપતા. તેમના સ્વર્ગવાસના બીજા દિવસે જયપુરના
શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાના અધ્યક્ષપદે એક શોકસભાદ્વારા તેમના પ્રત્યે સ્મરણાંજલિનો
પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. દેવ–ગુરુની ભક્તિ, ધર્મશ્રવણનો ને સ્વાધ્યાયનો
પ્રેમ–એ બધા સંસ્કારો સાથે લઈને સ્વર્ગમાં ગયેલા પ્રેમચંદભાઈનો આત્મા તે સંસ્કારોમાં
આગળ વધીને રત્નત્રયરૂપ જિનમાર્ગની આરાધના વડે આ જન્મમરણોથી છૂટે એ
જ ભાવના.