Atmadharma magazine - Ank 292
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
: મહા : ર૪૯૪ આત્મધર્મ : ૧૧ :
ચીકણાં બંધન છૂટી ન જાય. જેલમાં પુરાયેલો ને બેડીથી બંધાયેલો માણસ મૂર્ખતાથી એમ માને કે
હું છૂટો છું–પણ તેથી કાંઈ તે જેલના બંધનમાંથી છૂટી ન જાય. તેમ ચૈતન્યનું જેને ભાન નથી ને
મિથ્યાત્વના ચીકણાભાવરૂપી જેલમાં પડ્યો છે, ને વિષયોમાં સુખબુદ્ધિથી વર્તે છે, છતાં ભ્રાન્તિથી
એમ માને કે મને કર્મબંધન થતું નથી, –તો તેથી કાંઈ તે જીવ કર્મથી છૂટી જાય નહિ. મિથ્યાત્વના
ચીકણા પરિણામ તો જરૂર બંધનું કારણ થશે.
ચૈતન્યવસ્તુનું જેને વેદન નથી તે કર્મની સામગ્રીમાં મુર્છાઈ જાય છે. ને જેણે ચૈતન્યસુખનો
સ્વાદ ચાખ્યો છે તે કર્મની સામગ્રીમાં ક્્યાંય મુર્છાતા નથી, તેને તો તે રોગ જેવી જાણે છે, માટે
તેને બંધન થતું નથી. કર્મની સામગ્રી એટલે કે પાંચ ઈન્દ્રિયના વિષયોની સામગ્રી તે તો દુશ્મને
ઊભી કરેલી સામગ્રી છે, –તેનો પ્રેમ ધર્મીને કેમ હોય? ચૈતન્યના પ્રેમ આડે ધર્મીને તેનો પ્રેમ
સ્વપ્નેય થતો નથી, માટે તેને બંધન થતું નથી–એમ જાણવું. એને તો અતીન્દ્રિયઆનંદનો ઉલ્લાસ
છે ને રાગનો રંગ ઊતરી ગયો છે. રાગનો જેને રંગ છે, જેનો ઉપયોગ રાગ સાથે એકતાથી
રંગાયેલો છે તે તો કર્મ સામગ્રીમાં મગ્ન છે એટલે પાપી છે, ને તેને કર્મબંધન થાય છે; –ભલે તે
કદાચ શુભરાગના આચરણમાં મગ્ન હોય તોપણ કર્મસામગ્રીમાં જ મગ્ન હોવાથી નિન્દ્ય છે, તેને
બંધન થાય છે. –આમ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિની પરિણતિમાં જે મોટો ભેદ છે તેને ધર્મી જ
જાણે છે. ધર્મી–સમ્યગ્દ્રષ્ટિને જે બંધન થતું નથી તે તો તેની અંદરની અદ્ભુત જ્ઞાન–
વૈરાગ્યપરિણતિનો પ્રભાવ છે, જ્ઞાન–વૈરાગ્યની અદ્ભુત શક્તિને લીધે તેને બંધન થતું નથી.
આ અંકમાં પહેલાં પાને છપાયેલ શ્લોક તત્ત્વજ્ઞાન–તરંગિણીના પહેલા
અધ્યાયમાં છે. શ્રી જ્ઞાનભૂષણસ્વામી રચિતઆ પુસ્તકમાં નાના–નાના ૧૮ અધ્યાય
દ્વારા શુદ્ધચિદ્રૂપની વારંવાર ભાવનાને પુષ્ટ કરીને તેના ધ્યાનની પ્રેરણા આપી છે,
અને તે સુગમ છે એમ બતાવ્યું છે. પ્રતિપાદનશૈલી ઘણી સુગમ અને મધુર છે.
અને હવે સાથેસાથે નીચેનો મંગલશ્લોક વાંચો અને તે શ્લોક કયા શાસ્ત્રમાં
હશે તે વિચારો.–
(અર્થ સહિત પરિચય આવતા અંકમાં જુઓ.)
चिदानन्दैकरूपाय जिनायः परमात्मने।
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ।।१।।