Atmadharma magazine - Ank 292
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
: મહા : ર૪૯૪ આત્મધર્મ : ૧૩ :
ચેતનલક્ષણ આત્મા તે કદી મરતો હશે! તું આત્માનો નાશ માને છે એ તો દેહબુદ્ધિને લીધે તારી
માત્ર ભ્રમણા છે. જેમ સ્વપ્નની વાત ખોટી છે તેમ તારી વાત પણ ખોટી છે. પોતે કરેલા પુણ્ય–
પાપઅનુસાર આત્મા પોતે સ્વર્ગ કે નરકાદિમાં જઈને પોતાના ભાવનું ફળ ભોગવે છે; અને
વીતરાગતા વડે મોક્ષ પામીને સાદિઅનંત સિદ્ધદશામાં રહીને મોક્ષના પરમસુખને ભોગવે છે.
આત્મા દેહથી ભિન્ન અવિનાશી તત્ત્વ છે, દેહના નાશે તેનો નાશ થતો નથી. જેમ ઊંઘમાં–
સ્વપ્નામાં ‘હું મરી ગયો’ એમ દેખે, પણ જ્યાં જાગે ત્યાં ભાન થાય છે કે હું નાશ પામ્યો નથી, જે
સ્વપ્નમાં હતો તે જ હું છું. એ જ પ્રમાણે અજ્ઞાનદશામાં ભ્રમથી દેહાત્મબુદ્ધિને લીધે દેહના નાશથી
આત્માનો નાશ ભાસે છે, પણ ખરેખર આત્મા નાશ પામતો નથી, દેહ છોડીને બીજા દેહમાં,
અથવા તો દેહરહિત સિદ્ધદશામાં આત્મા તે જ રહે છે, એટલે કે આત્મા સત્ છે; મોક્ષમાં પણ
આત્મા સત્ છે. મોક્ષમાં આત્માનો અભાવ છે–એમ નાસ્તિક લોકો માને છે; પણ જો મોક્ષમાં
આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને કોણ ઈચ્છે? –પોતાના અભાવને તો કોણ ઈચ્છે? પોતે
પોતાના અભાવને કોઈ ઈચ્છે નહિ. મોક્ષને તો સૌ પ્રાણી ઈચ્છે છે, તે મોક્ષમાં આત્મા પરમ શુદ્ધ
આનંદદશા સહિત બિરાજમાન છે. કોઈ પણ અવસ્થામાં આત્માના અભાવની કલ્પના કરવી તે
મિથ્યા છે. જેમ સ્વપ્નમાં આત્માનો નાશ દેખાય છે તે મિથ્યા છે, તેમ જાગૃતદશામાં પણ આત્માનું
જે મરણ દેખાય છે તે અજ્ઞાનીનો ભ્રમ છે. બંનેમાં વિપર્યાસની સમાનતા છે. આ દેહના વિયોગ
પછી પણ આત્માનું અસ્તિત્વ એમને એમ રહ્યા જ કરે છે. આવા સત્ આત્માની મુક્તિ પ્રયત્નવડે
સિદ્ધ થાય છે. દેહથી ભિન્ન આત્માનું શાશ્વત હોવાપણું જે જાણે તેને મૃત્યુનો ભય રહે નહીં, ‘મારો
નાશ થઈ જશે’ એવો સન્દેહ તેને થાય નહિ. ગમે તે પરિસ્થિતિમાં પણ, દેહ છૂટવા ટાણે પણ,
ધર્મી પોતે પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે; ને આત્માની આવી આરાધના સહિત દેહ છોડે
છે...દેહ છૂટવા ટાણેય તેને સમાધિ રહે છે.
।। ૧૦૧।।
હવે કહે છે કે પ્રયત્નપૂર્વક આત્માના ભેદજ્ઞાનની ભાવના કરવી..ગમે તેવા દુઃખમાં એટલે
કે પ્રતિકૂળતામાં પણ આત્માની ભાવના છોડવી નહિ, ભિન્ન આત્માને જાણીને અતિ ઉગ્ર
પ્રયત્નપૂર્વક તેની ભાવના ભાવ્યા જ કરવી. –કેમ કે–
अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ।
तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः।। १०२।।
દુઃખ વિના ભાવવામાં આવેલું જ્ઞાન, ઉપસર્ગાદિ દુઃખના પ્રસંગમાં ક્ષીણ થઈ જાય છે, માટે
પોતાની શક્તિઅનુસાર કાયકલેશાદિ કષ્ટપૂર્વક આત્માની દ્રઢ ભાવના કરવી.