Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧ :
પિતા – પુત્ર વચ્ચેનો વાદવિાદ
મથાળું વાંચીને ભડકશો નહીં હો...અત્યારના કોઈ ઝગડાની વાત
નથી...એ પિતા તો છે ભરતચક્રવર્તી; અને પુત્રો છે તેમના ૧૨૦૦
કુમારો–મધુરાજ, વિધુરાજ, પુરુરાજ વગેરે. ભરતચક્રવર્તી ચરમશરીરી
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે,–તો તેમના પુત્રો પણ કાંઈ તેમનાથી ઉતરે એવા
નથી, ગમે તેમ તો તેઓ ઋષભદાદાના પૌત્રો છેને! તેઓ પણ
ચરમશરીરી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. ‘વ્યવહારરત્નત્રયથી સિદ્ધિ છે કે
નિશ્ચયરત્નત્રયથી?’–તે બાબતમાં પિતા–પુત્રો વચ્ચે તત્વચર્ચા થાય છે.
ભરતેશવૈભવમાં એ પ્રસંગનું મજાનું વર્ણન આવે છે; તે વાંચીને ગુરુદેવને
ગમ્યું...તેથી તે પ્રસંગ અહીં આપવામાં આવ્યો છે. આપણા બાલસભ્યોને
તત્ત્વઅભ્યાસ માટે તે ખાસ પ્રેરણાકારી છે.
આ પ્રસંગ જો કે વીસેક વર્ષ પહેલાં ‘આત્મધર્મ’માં આવી ગયો
છે. પણ આપણા બાલસભ્યોમાંથી ઘણાય તો તે વખતે પૂર્વ ભવમાં હતા;
એટલે એમના પૂર્વભવ વખતે આત્મધર્મમાં આવેલ વાતની તેમને ક્યાંથી
ખબર હોય? તેથી તેમને માટે આ લેખ ફરી અહીં આપ્યો છે. (સં.)
હંમેશની જેમ સમ્રાટ ભરત મહેલમાં બેઠા છે. પાસે નમિરાજ, વિનમિરાજ
(ભરતના પુત્રોના મામા) તથા તેમના સેંકડો પુત્રો બેઠા છે.
ભરતે પૂછ્યું–આ કુમારોએ શું–શું અધ્યયન કર્યું છે? ત્યારે જવાબ મળ્‌યો કે–
તેઓ શસ્ત્ર–શાસ્ત્રાદિ અનેક વિદ્યાઓમાં નિપુણ છે; વિદ્યાધરોને ઉચિત અનેક વિદ્યાઓ
તેમણે સિદ્ધ કરી છે, અને તેઓ સમ્યક્દર્શનાદિથી પણ સંયુક્ત છે. ભરતે તે કુમારોને
ત્યાં બેસાડીને પોતાના પુત્રોને પણ બોલાવ્યા. ભરતના સેંકડો પુત્રો પંક્તિબદ્ધ થઈને
ત્યાં આવવા લાગ્યા. પહેલાં મધુરાજ, વિધુરાજ નામના બે કુમારોએ આવીને પિતાના
તથા માતાના ચરણમાં નમસ્કાર કર્યા અને બાકીના કુમારોએ પણ નમસ્કાર કર્યા.
કુમારોમાં કોઈ પંદર વર્ષના છે, અને કોઈ તેથી પણ નાની ઉંમરના છે.
ભરતે પોતાના પુત્રોને કહ્યું–બેટા, તમે જરા તમારા શાસ્ત્રાનુભવને તો બતાવો.
ત્યારે તે કુશળ કુમારોએ પોતાના શાસ્ત્રાનુભવને દર્શાવ્યો. ક્યારેક વ્યાકરણથી
શબ્દસિદ્ધિ કરી, ક્યારેક ન્યાયશાસ્ત્રથી તત્ત્વસિદ્ધિ કરી, અને ક્યારેક એકધારાપ્રવાહી
સંસ્કૃત બોલતા થકા આગમના તત્ત્વોનું પ્રતિપાદન કર્યું.