Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
પપટ અન પીંજરૂ
એક હતો પોપટ.....વનજંગલમાં સ્વાધીનપણે આકાશમાં ઊડનારો તે પોપટ
ઘણા વખતથી પીંજરામાં પુરાયો; અને સ્વાધીન જીવન ભૂલીને પીંજરાના જીવનને જ તે
પોતાનું જીવન માની બેઠો. તે પોતાની હયાતી ને પોતાનું જીવન પીંજરાથી જ માનવા
લાગ્યો....બસ, પીંજરામાં રહેવું, કોઈ ખવડાવે તે ખાવું, કોઈ શીખવે તેમ બોલવું–એટલું
જ પોતાનું જીવન લાગ્યું. આ પીંજરૂં નહિ હોય તો મારું શું થશે! પીંજરા વગર હું જાણે
રહી જ નહિ શકું–એવી તેને ટેવ પડી ગઈ! અરેરે! પીંજરૂં કે જે ખરેખર પોતાને
બંધનરૂપ છે તેને અજ્ઞાનથી તે પોપટે હિતરૂપ માન્યું.....એટલે તે પીંજરાને છોડવા
માંગતો નથી. પણ વનના મુક્ત વાતાવરણમાં ઊડતા ને આકાશમાં કિલ્લોલ કરતા
પોતાના જાતિભાઈને જોઈને વિચારે કે અરે! આ પીંજરા જેટલું મારું જીવન નહિ, મારું
જીવન તો આકાશમાં ઊડતું આવું મુક્ત અને સ્વતંત્ર હોય! પીંજરૂં તો મને બંધનરૂપ
છે.–આમ સમજે તો તે પોપટ પીંજરાને છોડીને સ્વતંત્ર જીવનનો આનંદ માણે....તેમ
દેહરૂપી પીંજરામાં પુરાયેલો આ જીવરૂપી પોપટ, તે પોતાના સ્વાધીન મુક્ત જીવનને
ભૂલીને અજ્ઞાનથી દેહના જીવનને જ પોતાનું જીવન માની બેઠો...શરીરથી જ તે પોતાનું
જીવન ને પોતાની હયાતી માનવા લાગ્યો. બસ, જાણે શરીરમાં રહેવું, શરીરને
ખવડાવવું, બોલવું–ચાલવું એ જ પોતાનું જીવન હોય, ને શરીર–ખોરાક વગેરે વિના
જાણે પોતાનું જીવન ટકી જ નહિ શકે–એમ અજ્ઞાનથી માની બેઠો...એટલે શરીરમાં હિત
માનીને તેને કેમ ટકાવવું ને તેની અનુકૂળતા કેમ સાચવવી–એની જ ચિન્તામાં તે રહેવા
લાગ્યો. શરીર સરખું નહિ હોય તો મારું શું થશે! શરીર વગર જાણે કે હું રહી જ નહિ
શકું–એવી એને ટેવ પડી ગઈ. અરેરે! દેહપીંજરૂં કે જે પોતાને બંધનરૂપ છે તેને
અજ્ઞાનથી જીવે હિતરૂપ માન્યું એટલે તેને તે છોડવા માંગતો નથી, –તેમાંથી એકત્વ–
બુદ્ધિ છોડતો નથી. –પણ અરે જીવ! મુક્તિના અતીન્દ્રિયઆનંદમય વાતાવરણમાં
કિલ્લોલ કરતા અને સિદ્ધાલયમાં વસતા એવા તારા જાતિભાઈઓને જોઈને વિચાર તો
ખરો કે અરે! મારું જીવન તો આવું મુક્ત સ્વાધીન હોય. સુખ માટે બાહ્ય પદાર્થોની
લાચારી કરવી પડે એવું પરાધીનજીવન મારું ન હોય. નિર્વિકલ્પ સ્વાનુભૂતિના
અતીન્દ્રિયગગનમાં નીરાલંબીપણે ઊડનારો, ને આનંદની મોજ કરનારો હું છું. –આમ
સિદ્ધસમાન નિજસ્વરૂપને ઓળખીને જીવ દેહપીંજરાની મમતા છોડી, દેહથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપે પોતાને અનુભવતો થકો, મુક્તજીવનની મોજ માણતો,
નીરાલંબીગગનમાં ગમન કરતો સિદ્ધાલયમાં ઊડે છે.