૨૮ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
આત્માથી વિમુખ એવા રાગને જે મોક્ષમાર્ગ માને તે પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ કયારે
થાય? ને તેને મોક્ષમાર્ગ કયાંથી પ્રગટે?
અહીં તો કહે છે કે જે મોક્ષમાર્ગ છે તે પર્યાયરૂપ છે, ભાવનારૂપ છે. તે પર્યાય,
શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સર્વથા ભિન્ન નથી કહ્યું પણ
કથંચિત્ ભિન્ન કહ્યું છે, કેમકે તે પર્યાયરૂપે આત્માનું પરિણમન છે. પણ તે ભાવનારૂપ
હોવાથી, એટલે કે પર્યાયરૂપ હોવાથી, પર્યાયાર્થિકનયનો વિષય છે, દ્રવ્યાર્થિકનયનો વિષય તે
નથી. આ અપેક્ષાએ શુદ્ધાત્મદ્રવ્યથી તે પરિણામને ‘કથંચિત્’ ભિન્ન કહ્યા છે. દ્રવ્ય અને
પર્યાયને એકબીજા સાથે કાંઈ સંબંધ નથી–એમ નથી, દ્રવ્ય અને પર્યાયને એકબીજા સાથે
સંબંધ છે, પણ પર્યાય જેટલું જ દ્રવ્ય નથી; જો પર્યાય જેટલું જ દ્રવ્ય હોય તો પર્યાયનો નાશ
થતાં દ્રવ્યનોય નાશ થઈ જાય. વસ્તુ દ્રવ્ય–પર્યાય બંને રૂપ છે. તેમાં ધ્રુવદ્રવ્ય તે
દ્રવ્યાર્થિકનયનો વિષય છે ને પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે.
વસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે; તેના સ્વીકાર વગર સાચો તત્ત્વનિર્ણય કે સમ્યગ્દર્શન
થાય નહિ, તેમજ ધ્રુવશક્તિમાં સુખ ન હોય તો સુખનું પરિણમન ક્યાંથી થાય? આમ
ઉત્પાદ–વ્યય ને ધ્રુવ, અથવા દ્રવ્ય–પર્યાય તે–રૂપ વસ્તુ છે.
ધ્રુવ વગર એકલા ઉત્પાદ–વ્યય ન હોઈ શકે; ને ઉત્પાદ–વ્યય વગર એકલું ધ્રુવ કાર્ય
કરી શકે નહિ. ધુ્રવ તો પારિણામિકભાવે ત્રિકાળ સ્વભાવ છે; ને પર્યાયમાં ચાર ભાવો સંભવે
છે; તેમાંથી ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે. સ્વશક્તિની પ્રતીતરૂપે પરિણમતાં
ઉપશમસમ્યકત્વાદિ પ્રગટે છે, તે પર્યાયમાં કાળલબ્ધિ, પુરુષાર્થ વગેરે આવી જાય છે.
પર્યાય પોતે એકાગ્ર થઈને પોતાના પરમાનંદસ્વરૂપને ભેટે છે; તેને આગમભાષાથી
ઔપશમિક–ક્ષાયોપશમિક–ક્ષાયિકભાવ કહેવાય છે : અધ્યાત્મશૈલિથી તેને ધ્યાન કહો,
શુદ્ધાત્મસન્મુખ પરિણામ કહો કે શુદ્ધોપયોગ વગેરે અનેક નામોથી કહેવાય છે. ઔપશમિકાદિ
ત્રણે ભાવો શુદ્ધાત્માની અભિમુખ છે. એકલા પર સન્મુખ અજ્ઞાનીના ક્ષયોપશમભાવની વાત
અહીં મોક્ષમાર્ગમાં નથી. મોક્ષમાર્ગઅવસ્થાના ૬પ જેટલા નામ તો દ્રવ્યસંગ્રહમાં કહ્યા છે;
બીજા પણ અનેક નામોથી તે ઓળખાય છે.
જે પર્યાયદ્વારા વસ્તુમાં ઉપયોગનું જોડાણ થાય છે તે ઉપશમાદિ ત્રણ ભાવરૂપ છે, ને
તે મોક્ષમાર્ગ છે.
હવે આ જે મોક્ષમાર્ગરૂપ પર્યાય છે તે શુદ્ધાત્મદ્રવ્યથી સર્વથા જુદી નથી, પણ કથંચિત્
ભિન્ન છે. કેમકે શુદ્ધપારિણામિકભાવરૂપ દ્રવ્ય તો અવિનાશી છે ને પર્યાય તો વિનાશીક છે;
જો તે બંને સર્વથા એક હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. અંશ તે જ
આખો અંશી નથી. એક પર્યાય તે આખું દ્રવ્ય નથી, તે અપેક્ષાએ દ્રવ્ય–પર્યાયને કથંચિત્
ભિન્ન કહ્યા.