: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૧ :
પોતાનું અસ્તિત્વ તેને ભાસતું નથી, એટલે તે જ્ઞાનરૂપ થતો નથી પણ અજ્ઞાની રહે છે.
દેહ અને રાગાદિપણે જ પોતાને અનુભવે છે તે અજ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનપરિણામ અને રાગપરિણામ એકકાળે વર્તતા હોય તેમાંથી, જ્ઞાની
જ્ઞાનપરિણામમાં વર્તતા થકા તેના કર્તા છે. રાગપરિણામમાં તે તન્મયપણે વર્તતા નથી
ને તેના કર્તા થતા નથી. ધર્મીની દ્રષ્ટિમાં શુદ્ધ આત્મદ્રવ્ય છે, તેનો જ તેને પ્રેમ છે.
આત્માનો પ્રેમ છોડીને જેને પરભાવનો પ્રેમ થાય તેને અનંતાનુબંધી ક્રોધ છે, મિથ્યાત્વ
છે, તે સંસારનું મૂળ છે. તે મૂળિયું જેણે સમ્યગ્દર્શન વડે છેદી નાંખ્યું છે એવા જ્ઞાનીની
દશા કેવી અલૌકિક હોય તેની આ વાત છે.
જ્ઞાની આત્મપરિણામનો કર્તા છે; આત્મપરિણામ એટલે મોક્ષમાર્ગનાં પરિણામ;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ આત્મભાવ છે તે ધર્મીનું કાર્ય છે, તે કાર્યના
કર્તાપણે ધર્મી ઓળખાય છે. રાગવડે આસ્રવને બંધ ઓળખાય છે, તેના વડે ધર્મી
ઓળખાતા નથી. ધર્મીની ઓળખાણ ધર્મવડે થાય. ધર્મ એટલે જ્ઞાનપરિણામ, તે
જ્ઞાનપરિણામને જ કર્મપણે કરીને, તેના કર્તાપણે ધર્મીનો આત્મા પરિણમે છે. આ રીતે
પરથી અને રાગથી ભિન્ન આત્માને સ્વજ્ઞેય કર્યો છે,– તે જ જ્ઞાનીની નિશાની છે. રાગથી
ભિન્ન જ્ઞાનની વાનગી જેના સ્વાદમાં આવી નથી ને એકલા રાગના જ સ્વાદને વેદે છે
તેને જ્ઞાનીની ઓળખાણ નથી.
જુઓ, ભગવાન મહાવીર પરમાત્મા આવા ભાન સહિત જન્મ્યા હતા; આવા
સ્વરૂપે ઓળખે તો મહાવીરને ઓળખ્યા કહેવાય; બાકી મહાવીર ભગવાનના
જન્મોત્સવના નામે લોકો બહારમાં સભા વગેરે કરે, પણ અંદરમાં મહાવીર ભગવાને
કહેલા આવા આત્મસ્વરૂપના લક્ષ વગર વીરપ્રભુનો માર્ગ હાથમાં ન આવે. જેણે દેહથી
ભિન્ન રાગથી ભિન્ન ચૈતન્યનું ભાન કર્યું તેણે મહાવીર પ્રભુની સાચી સ્તુતિ કરી.
આ બહારનું શરીર તે તો અરૂપી ચૈતન્ય ઉપર વીંટાળેલા ચામડા જેવું છે; આત્મા
કાંઈ તે–રૂપ થયો નથી; તેના વડે આત્મા ઓળખાતો નથી. આત્મા તો પોતાના સ્વધર્મ
વડે ઓળખાય છે, એટલે જ્ઞાન–આનંદરૂપ નિર્મળ પરિણામ તે આત્માને ઓળખવાનું
ચિહ્ન છે. આવા ચિહ્નથી આત્માને ઓળખતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ રાગાદિને પરજ્ઞેય જાણે છે; જ્ઞાયકસ્વભાવ તરફ ઢળતો ભાવ, અને
બહિરમુખી ભાવ–એ બંનેની જાત જ જુદી છે. એ બાહ્યભાવ વડે આત્મા ઓળખાતો
નથી. આત્માની ઓળખાણ આત્મભાવ વડે થાય છે, આત્મા તરફ ઢળીને તન્મય થયેલા
ભાવ વડે આત્મા ઓળખાય છે; ને એવો જ્ઞાનભાવ તે જ્ઞાનીનું ચિહ્ન છે.
અહો, જ્ઞાનીની ઓળખાણ જીવને દુર્લભ છે. જ્ઞાનભાવસ્વરૂપ જ્ઞાનીને ઓળખતાં
રાગનું કર્તૃત્વ છૂટીને સમ્યગ્જ્ઞાન થાય છે.