અને સમજણ પણ જે ન કરે તેને વીતરાગમાર્ગ ક્યાંથી હાથ આવે? અનંતકાળથી
પોતાની ખોજ પોતે પોતામાં ન કરતાં પરમાં ખોજ કરી કરીને કાળ ગુમાવ્યો. જાણે
બીજો મારું કાર્ય કરી દેશે–એમ પરની સામે જોયા કર્યું. ભાઈ! તારું સ્વકાર્ય કરવાની
શક્તિ તારામાં જ છે. બીજા કોઈના કારણ વગર તું પોતે સમ્યગ્દર્શનથી માંડીને
સિદ્ધપદ સુધીની તારી દશાનો કર્તા થઈને પરિણમ–એવી સ્વાધીનપ્રભુતા તારા
આત્મામાં છે. તારી પ્રભુતા વડે તું જ તારા કાર્યનો કર્તા છો. આવી પ્રભુતા જાણે તે
પોતાની પર્યાયમાં બીજાનું કર્તૃત્વ માને નહિ, ને પોતે બીજાનો કર્તા થવાનું માને
નહિ; નિર્મળ પર્યાયના કર્તૃત્વપણે જ તેનું પરિણમન થાય.
નિર્મળભાવોનું કર્તૃત્વ ધર્મીના આત્મામાં છેે; વસ્તુસ્વરૂપથી આત્મા પોતે તેનો કર્તા
છે. અહો, વીતરાગી મોક્ષમાર્ગમાં રાગરહિત ચારિત્રપર્યાય કોઈ અલૌકિક છે; ક્યાં
એ ચારિત્રપર્યાય, ને ક્યાં વિકલ્પ! દેહની નગ્નદશા કે વિકલ્પો તે કાંઈ
વીતરાગચારિત્ર– દશાના કર્તા નથી. છતાં તેવી ચારિત્રદશા વખતે બહારમાં જો
નિમિત્તો હોય તો તેવા જ હોય, પણ તે નિમિત્તોનું કર્તૃત્વ ધર્મીના આત્મામાં નથી,
ધર્મીના આત્મામાં તો નિર્મળભાવનું જ કર્તૃત્વ છે. જ્ઞાનના પરિણમનમાં જેટલા
ભાવો સમાય તેમનું જ કર્તૃત્વ ધર્મીને છે; જ્ઞાનથી બહારના કોઈ ભાવોનું કર્તૃત્વ
ધર્મીને નથી. હે ભાઈ! જો તું પરભાવોના કર્તૃત્વમાં અટકીશ તો તેનાથી રહિત
એવા નિર્મળભાવને ક્યારે કરીશ? અરે, તું ચૈતન્ય, તારા ચૈતન્યકાર્યને ચૂકીને
પરનો ને વિકારનો કર્તા થવા ક્યાં જાય છે? અંતર્મુખ થઈને તારા નિર્મળ
જ્ઞાનભાવનો કર્તા થા...ને! નિર્મળભાવના સ્વાધીન કર્તૃત્વપણે તારો આત્મા શોભે
છે. તારા નિર્મળભાવનું કર્તૃત્વ બીજા કોઈમાં નથી.