અનંત શક્તિમાન આત્મા છે, તેની પ્રાપ્તિ માટે એટલે કે તેના અનુભવ માટે તેનું
ઉત્સાહના જોરથી પરિણામ તેમાં એકાગ્ર થતાં વિકલ્પ તૂટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવ થાય છે. જેમ હીરો જેને લેવો હોય તે તેની કિંમત સમજે છે ને હીરાની પરીક્ષા
કરે છે. હીરાને બદલે લીંબોડી કે કાચનો કટકો લઈ લેતો નથી; તેમ જેેને
ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત કરવો હોય તેણે જ્ઞાનીના ઉપદેશ અનુસાર તેની કિંમત સમજવી
જોઈએ, તેની અનંત શક્તિની તાકાતનો મહિમા જાણવો જોઈએ ને અંતરના વેદનથી
પરીક્ષા કરીને તેનું સ્વરૂપ સમજવું જોઈએ. જડને કે રાગને ચૈતન્યસ્વરૂપ માની લ્યે તો
સાચું આત્મસ્વરૂપ સમજાય નહિ. કોઈ લીંબોડીને નીલમણિ માની લ્યે તો? તેમ કોઈ
જીવ રાગને જ આત્મા માની લ્યે તો? –તો તે ઊંધી માન્યતાનું સાચું ફળ આવે નહિ.
ઝેરને કોઈ સાકર માનીને ખાય તેથી કાંઈ તે મીઠું ન લાગે, કડવું જ લાગે. તેમ વિકારને
કોઈ આત્મસ્વરૂપ માનીને વેદે તો તેથી કાંઈ તેને આત્માની શાંતિ વેદનમાં ન આવે.
આકુળતા જ વેદાય. માટે યથાર્થ આત્મસ્વરૂપ જેમ છે તેમ બરાબર જાણવું જોઈએ.
સાચા જ્ઞાનનું જ સાચું ફળ આવે છે. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કહ્યો તેવો આત્મા
જાણ્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ, ને સમ્યક્ચારિત્ર પણ હોય નહિ. –કેમકે પોતાનું
સ્વરૂપ જાણ્યા વગર ઠરશે શેમાં? ને સ્વરૂપમાં ઠર્યા વગર મુક્તિ થાય નહિ.
મોક્ષદશા ચારિત્ર વગર નહિ.
ચારિત્રદશા સમ્યકત્વ વગર નહિ.
સમ્યકત્વ શુદ્ધઆત્માની ઓળખાણ વગર નહિ.