Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૨૯ :
ભગવાન આત્માનું જ્ઞાન થતાં જ
આસ્રવો છૂટી જાય છે.
[સુરેન્દ્રનગર–વઢવાણ શહેર–જોરાવરનગરના પ્રવચનોમાંથી]
(સમયસાર–કર્તાકર્મ અધિકાર)
વીર સં. ર૪૯૪ ચૈત્ર વદ ત્રીજ થી તેરસ


સર્વજ્ઞદેવે આત્માને ‘ભગવાન’ કહ્યો છે કેમકે તે પોતે મહિમાવંત પદાર્થ છે.
આવો ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેને જ્ઞાનમાત્ર ભાવમાં બંધન નથી, વિકાર
નથી, મલિનતા નથી. અશુભ પાપરાગ, કે શુભ પુણ્યરાગ–તે બંને મલિન બંધભાવ છે,
તે ચેતના વગરના હોવાથી જડ છે, તે પોતે પોતાને કે બીજાને જાણતા નથી. અને
આત્મા તો સ્વયંપ્રકાશી સ્વ–પરને જાણનાર ચેતનસ્વભાવી છે. આમ બંનેની ભિન્નતાનું
જ્ઞાન થતાંવેંત જ આત્મા તે રાગાદિ આસ્રવોને પારકા જાણીને તત્ક્ષણે તેનાથી પાછો
વળે છે, તેનાથી જુદો પડીને જ્ઞાનભાવપણે પરિણમે છે; એટલે તેને બંધન થતું નથી.
પહેલાં રાગમાં વહાલપ હતી, તેને બદલે ઓળખાણ થતાં હવે પોતાનું જ્ઞાન જ વ્હાલું
લાગ્યું. હું તો જ્ઞાન જ છું, જ્ઞાનથી અન્ય કોઈ ભાવ હું નથી,–આવું ભેદજ્ઞાન તે જ બંધથી
છૂટવાનું કારણ છે.
આત્મા અને રાગાદિ જુદા છે.–કઈ રીતે? તે દ્રષ્ટાન્તથી સમજાવે છે. જેમ
પાણીમાં ઉપર સેવાળ છે તે પાણી નથી, પાણી તો સેવાળથી જુદું સ્વચ્છ છે; પાણી તો
સ્વચ્છ છે ને સેવાળ તે મેલ છે, બંને જુદા છે. તેમ રાગાદિ આસ્રવભાવો તે આત્માના
ચૈતન્યસ્વભાવથી જુદા છે, રાગાદિ તે ચૈતન્યભાવ નથી, ચૈતન્યતત્ત્વ તો રાગથી જુદું
સ્વચ્છ સ્વ–પરપ્રકાશક છે. તે પવિત્ર છે ને રાગાદિ તો મેલ છે; એમ બંનેની ભિન્નતા છે.
આત્મા ચૈતન્યસ્વભાવપણે અનુભવાય છે. રાગાદિક ભાવો તે ચૈતન્યપણે નથી
અનુભવાતા પણ મેલપણે આકુળ સ્વાદરૂપે અનુભવાય છે. આત્માના અનુભવમાં