Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 45

background image
: ૩૦ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
આકુળતા ન હોય, આત્માનો અનુભવ તો પરમ શાંત આનંદરૂપ છે.–એમ રાગથી
ભિન્નપણે આત્માનો અનુભવ જ્ઞાનવડે થાય છે. આવી ભિન્નતા જે જ્ઞાને જાણી તે જ્ઞાન
રાગાદિ સાથે એકતા કરતું નથી પણ તેને પોતાથી ભિન્ન જ જાણે છે. એટલે તે જ્ઞાન
રાગથી જુદું પરિણમતું થકું આસ્રવોથી નિવર્તે છે, કર્મનો આસ્રવ ત્યાં થતો નથી. માટે
જ્ઞાન તે જ કર્મબંધથી છૂટવાનો ઉપાય છે. અહો! સર્વજ્ઞ ભગવાને આત્માને ‘ભગવાન’
કહીને સંબોધ્યો છે. જેમ માતા બાળકને હાલરડામાં તેના વખાણ સંભળાવે છે કે ‘મારો
દીકરો ડાહ્યો...’ તેમ જિનવાણી માતા આત્માના ગુણના હાલરડાં ગાઈને તેને જગાડે છે
કે અરે જીવ! તું ભગવાન છો...તું પવિત્ર છો...તું આનંદરૂપ છો...ભાઈ! તું તારા
નિજગુણનો પ્રેમ કર. રાગમાં તારી શોભા નથી. પોતાના ગુણોનો મહિમા ભૂલીને
અનાદિથી જીવ રાગના પ્રેમમાં રોકાઈ રહ્યો છે, પોતાના આત્માને રાગરૂપ જ અનુભવી
રહ્યો છે–તે જ ભવભ્રમણનું કારણ છે. પોતાનો સ્વભાવ રાગરહિત હોવા છતાં રાગ
સહિત અનુભવે છે, પણ ભૂતાર્થસ્વભાવ શુદ્ધ છે તે રાગ વગરનો છે એવો અનુભવ
અને ભેદજ્ઞાન કરવું તે મોક્ષનું કારણ છે.
• • •

રાગાદિ આસ્રવભાવો આકુળતારૂપ છે ને દુઃખનાં કારણો છે, બંધનાં કારણો છે;
ને રાગથી ભિન્ન ચૈતન્યભગવાન આત્મા તો નિરાકુળ આનંદસ્વરૂપ છે, તે દુઃખનું
કારણ નથી. આત્માનો અનુભવ નિરાકુળ શાંત સુખરૂપ છે, તેમાં દુઃખ નથી. ભાઈ, તારે
સુખી થવું હોય તો આનંદમૂર્તિ તારો આત્મા છે તેની સન્મુખ તારે જોવું પડશે. રાગ તો
દુઃખનું ઘર છે તેની સામે જોયે સુખ તને નહિ મળે. સુખનું ઘર આત્મા છે તેમાં ઉપયોગ
મૂકતાં પરમ સુખનો અનુભવ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રનું વચન છે કે ‘દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે; અને તે જો
સમ છે તો સર્વત્ર સુખ જ છે.’ વિષમઆત્મા એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ તે જ દુઃખનું
કારણ છે, માત્ર તે જ દુઃખનું કારણ છે, એ સિવાય બીજું કોઈ દુઃખનું કારણ નથી; રોગ,
નિર્ધનતા વગેરે બાહ્ય સંયોગ કાંઈ દુઃખનું કારણ નથી, રાગ–દ્વેષ–મોહરૂપ જે વિષમતા તે
જ દુઃખનું કારણ છે.
ભગવાન આત્મા કોઈનું કારણ–કાર્ય નહિ હોવાથી દુઃખનું અકારણ છે. ગયા વર્ષે
સમ્મેદશિખર તીર્થની યાત્રાએ ગયેલા ત્યારે આ વાત પ્રવચનમાં આવી હતી.