
કરાવે એવું નથી. તેમજ આત્મા કારણ થઈને રાગને પોતાનું કાર્ય બનાવે એમ નથી.
રાગાદિક સાથે આત્માને કારણ–કાર્યપણું નથી. રાગને તો દુઃખ સાથે કારણ–કાર્યપણું છે.
ભગવાન આત્મા સ્વયં સુખરૂપ છે, તેને સુખ માટે બીજા કોઈ સાથે કારણ–કાર્યપણું
નથી; તેમજ દુઃખનું કાર્ય–કારણપણું પણ તેનામાં નથી. આત્માની પ્રાપ્તિ દુઃખ દ્વારા (રાગ
દ્વારા) થતી નથી. નિરાકુળ જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે છે.
નાકમાં દુર્ગંધની ગોળી ભરી રાખે તેને ફૂલની સુગંધ કયાંથી આવે? તે દુર્ગંધ કાઢી નાંખે
તો સુગંધની ખબર પડે. તેમ ચૈતન્યના પરમ આનંદની આ મીઠી મધુરી વાત, પણ
પરભાવની રુચિરૂપી દુર્ગંધ રાખી છે તે જીવને સ્વભાવના આનંદની સુગંધ અનુભવમાં
આવતી નથી. ભાઈ! રાગ ને જ્ઞાન બંનેની જાત જ જુદી છે એમ સમજીને રાગની રુચિ
છોડ ને જ્ઞાનાનંદસ્વભાવની રુચિ કર, તો તારા સ્વભાવના અપૂર્વ સુખનો અનુભવ તને
થશે. પોતાના જ્ઞાનની રુચિ સિવાય બીજા કોઈ કારણથી સુખની પ્રાપ્તિ થતી નથી એટલે
કે ધર્મ થતો નથી. આવા શુદ્ધ જ્ઞાનની રુચિ ને ઓળખાણ વગર શુભાશુભ ક્રિયાકાંડ
બધા વ્યર્થ છે. શુદ્ધજ્ઞાનની ઓળખાણ વગર દેવ–ગુુરુ–ધર્મની શુદ્ધશ્રદ્ધા પણ થતી નથી.
દેવ–ગુરુએ શું કહ્યું તે જાણ્યા વગર દેવ–ગુરુની ખરી શ્રદ્ધા ક્યાંથી થશે? દેવ–ગુુરુએ
રાગને બંધનું કારણ કહ્યું છે તેને બદલે રાગને ધર્મનું કારણ માનીને સેવે–તે જીવે દેવ–
ગુરુના ઉપદેશને માન્યો નથી. બાપુ! અત્યારે આ શુદ્ધઆત્માની શ્રદ્ધા કરવાના ટાણાં
આવ્યા છે. ‘પછી કરીશ’ એમ વાયદા ન કરીશ. જેની રુચિ હોય તેમાં વાયદો ન હોય.
આત્માની રુચિ હોય તો આત્માની ઓળખાણમાં વાયદા ન હોય. પૈસાની રુચિવાળો એમ
નથી કહેતો કે હમણાં પૈસા નથી જોતા, પછી ધીમેધીમે કમાશું! ત્યાં તો એકસાથે લાખો–
કરોડો આવે તો લઈ લેવા માંગે છે. તો જેને આત્માની ખરેખરી રુચિ લાગે તેના ભાવમાં
એમ ન આવે કે હમણાં આત્મા નથી સમજવો, પછી ધીમેધીમે સમજશું.–પણ તેના
ભાવમાં તો એમ હોય કે અત્યારે જ આત્મા સમજીને તેમાં એકાગ્રતા કરું. જ્યાં રુચિ છે
ત્યાં કાળની મુદત ગોઠતી નથી. ચૈતન્ય વિના જેને ક્ષણ પણ ચેન ન પડે, એવી જેને
લગની લાગી છે તેને માટે આ વાત છે. ને આ વાત સમજ્યે જ દુઃખની ભઠ્ઠીમાંથી
ઉગારો થાય તેમ છે. આ સિવાય અશુભ કે શુભ એ તો બધી આકુળતાની ભઠ્ઠી છે,
તેમાં ક્યાંય શાંતિ નથી.