Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
અરે, રાગમાં જેને મજા લાગે તે રાગથી જુદો પડીને આત્માને ક્યાંથી અનુભવે?
ભગવાન તો કહે છે કે આત્મા જ સ્વ–પરનો પ્રકાશક ચેતન છે, ને રાગાદિ આસ્રવો તો
ચેતનથી રહિત છે, તે સ્વને કે પરને નહિ જાણતા હોવાથી તેમને જડસ્વભાવ કહ્યા છે;
ચેતનસ્વભાવથી તેની ભિન્નતા છે. રાગ પોતે પોતાને નથી જાણતો પણ રાગથી ભિન્ન
એવું જ્ઞાન જ રાગને જાણે છે. આવી જ્ઞાન અને રાગની ભિન્નતા લક્ષમાં પણ ન લ્યે તે
અંતરમાં ભેદજ્ઞાન કરીને અનુભવ તો ક્યાંથી કરે? ને ભિન્ન જ્ઞાનના અનુભવ વગર
તેને ધર્મ ક્યાંથી થાય? જ્ઞાનનું રાગથી ભિન્ન પરિણમન થાય તે જ ધર્મ અને મોક્ષનું
કારણ છે. જ્ઞાન અને રાગની જે ક્ષણે ભિન્નતા જાણે છે તે જ ક્ષણે જીવ રાગથી ભિન્ન
જ્ઞાનભાવે પરિણમે છે. કોઈ કહે કે ભેદજ્ઞાન થયું પણ આનંદનો અનુભવ ન થયો.–તો
એમ બને જ નહીં. જો રાગથી ભિન્ન થઈને જ્ઞાન ન પરિણમે ને રાગ સાથે એકમેકપણે જ
પરિણમ્યા કરે તો તે જીવને ખરૂં ભેદજ્ઞાન થયું નથી, તે ભેદજ્ઞાનની માત્ર વાત કરે છે.
જો ખરૂં ભેદજ્ઞાન થાય તો જ્ઞાની રાગમાં કેમ અટકે? ભેદજ્ઞાનનું કામ તો એ છે કે
જ્ઞાનને અને રાગને જુદાપણે અનુભવવા; આત્માને જ્ઞાન સાથે એકમેક અનુભવવો ને
રાગથી ભિન્ન અનુભવવો. આવા અનુભવરૂપ ભેદજ્ઞાન થતાં આસ્રવો છૂટી જાય છે.
પહેલાં અજ્ઞાનથી આત્મા રાગાદિમાં તન્મય પ્રવર્તતો, તે હવે ભેદજ્ઞાન થતાં જ જ્ઞાનપણે
જ પરિણમતો થકો રાગાદિ ભાવોથી નિવર્તે છે; એટલે તેને બંધન થતું નથી. આ રીતે
ભેદજ્ઞાન તે બંધનથી છૂટવાનો ને મોક્ષ પામવાનો ઉપાય છે.
જીવને પોતાને શિખામણ
જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે હે જીવ! આપણા
વીતરાગી દેવ–ગુરુ–સંતોને ખૂબ ભાવથી યાદ કરીને એમ વિચારજે કે
મારા દેવ–ગુરુએ શું કર્યું? હું પણ એ જ કરું કે જે મારા દેવ–ગુુરુએ કર્યું.
વીતરાગભાવ વડે પોતાના આત્માને લાભ થાય એ જ કરવાનું છે.
જેનાથી લાભ થતો હોય તેમાં પાછીપાની કરું નહિ, વીર થઈને
તે માર્ગે જાઉં.
જેનાથી લાભ ન થાય તે તરફ જાઉં નહિ.
મારા હિત માટે એવો બહાદુર બનું કે જગતની કોઈ પરિસ્થિતિ
મને ડગાવી ન શકે, ને હું મારા દેવ–ગુરુ જેવો બની જઉં.