: ૩૪ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
આવો આત્મા પોતામાં આત્મસ્વરૂપનો કેવો નિશ્ચય કરે છે–તે આ ગાથામાં
સમજાવ્યું છે. એટલે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પોતે પોતાના આત્માનો કેવો નિશ્ચય
કરવો–તેની પરમ હિતકર વાત સન્તોએ સમજાવી છે. આવો આત્મનિર્ણય કરીને વિકલ્પ
તોડીને અનુભવ કરે છે,–તેનો નિર્ણય પણ અપૂર્વ છે.
પ્રથમ તો એમ નિર્ણય કરે છે કે–હું આ આત્મા પ્રત્યક્ષ સ્વસંવેદનગમ્ય છું.
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. બહારના સાધનવડે કે રાગવડે આત્મા જણાય
નહિ. અંતર્મુખ ઉપયોગવડે પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે.
આત્મા પોતે પોતાને સ્વાનુભવ પ્રત્યક્ષ થાય છે એવી એનામાં તાકાત છે.
‘આત્મવૈભવ’ પુસ્તકમાં પ્રકાશ શક્તિના વિવેચનમાં તેનું વિસ્તારથી વર્ણન આવ્યું છે.
પ્રથમ તો ‘હું કોણ છું’ એનો સાચો નિર્ણય કરવાની આ વાત છે. ધર્મી થવું
હોય તેણે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે હું કોણ છું? શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ વર્ષની વયે
કહે છે કે–
‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં?
હું કોણ છું? આત્માનું ખરૂં સ્વરૂપ શું છે? એનો નિર્ણય કરવો તે ભવને
છેદવાની ને સમ્યગ્દર્શન પામવાની ક્રિયા છે. સમ્યગ્દર્શનની તૈયારી વાળો, સ્વભાવના
આંગણે આવેલો જીવ કેવો આત્મનિર્ણય કરે છે તેની વાત છે. પ્રત્યક્ષ જ્ઞાન વડે જણાઉં
એવો અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા હું છું–આવો નિશ્ચય કરીને પોતામાં ઉપયોગ મુકતાં
વિકલ્પ છૂટી જાય છે ને નિર્વિકલ્પ આનંદ સહિત સમ્યગ્દર્શન થાય છે.–આવી રીત
સર્વજ્ઞભગવાનની વાણીમાં આવી છે.
અહો, આ નિર્ણયમાં ઘણું સ્વલક્ષનું જોર છે. આ નિર્ણય બીજાના લક્ષવડે નથી
કર્યો. હું સ્વસંવેદન પ્રત્યક્ષ છું,–એટલે રાગવડે પ્રત્યક્ષ થાઉં એવો હું નહિ, એમ રાગના–
વિકલ્પના અવલંબનની બુદ્ધિ છૂટી ગઈ છે, ને આત્માના સ્વભાવસન્મુખ બુદ્ધિ વળી છે.
તે જીવ ઉપયોગને સ્વસન્મુખ કરી, વિકલ્પરહિત સાક્ષાત્ અનુભવ કરશે.–આ
સમ્યગ્દર્શનની રીત છે.
એક માણસ કરોડો અબજોનો વૈભવ પામીને પોતાના મહેલમાં બેઠો હોય, ને
બીજો માણસ બહાર ઊભો ઊભો તેવા વૈભવનો વિચાર કરતો હોય, તેમ જે સમ્યગ્દર્શન
પામ્યા તે તો આત્માના મહેલમાં બેઠા–બેઠા સાક્ષાત્ આનંદને અનુભવે છે, ને
સમ્યકત્વની સન્મુખ જીવ આત્માના સ્વરૂપનો વિચાર વડે નિર્ણય કરે છે. આત્માનો
સાચો નિર્ણય કરવામાં પણ ઘણો પુરુષાર્થ છે. ભાઈ, જીવનમાં આ ખરૂં કરવા જેવું છે.
આત્માના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને અનુભવ થાય નહીં.