Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૩ :
માને છે કે જ્ઞાન રાગરૂપ થઈ ગયું, મલિન ભાવને જાણતાં જ્ઞાન પણ મલિન થઈ ગયું–
એમ સ્વ–પરની એકતાનો ભ્રમ અજ્ઞાનીને છે, તે અનેકાન્તવડે દૂર થાય છે. પરભાવો
જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય ત્યાં જ્ઞાયકભાવ કાંઈ તે પરભાવરૂપ થઈ ગયો નથી. અગ્નિને
જાણતાં જ્ઞાન બળી જતું નથી, કે બરફને જાણતાં જ્ઞાન ઠરી જતું નથી, જ્ઞાન તો
અરૂપીપણે પોતાના સ્વભાવમાં રહે છે; એ જ રીતે રાગદ્વેષાદિ પરભાવો જ્ઞાનમાં જણાય
ત્યાં જ્ઞાન પોતે તેમાં તન્મય થઈ જતું નથી, ભિન્નપણે પોતાના ભાવમાં રહે છે. પણ
આવી ભિન્નતાનું જેને ભાન નથી તે રાગને અને જ્ઞાનને ભેળસેળ કરીને એકપણે
અનુભવે છે, તે જ એકાન્ત છે, અજ્ઞાન છે. અનેકાન્તવડે ભગવાન તેને સમજાવે છે કે
ભાઈ! તું તો જ્ઞાન છો, અન્ય ભાવો તારા જ્ઞેયો છે, તે રૂપે તું નથી. આવી ભિન્નતા
જાણીને જ્ઞાનપણે જ આત્માને શ્રદ્ધામાં–અનુભવમાં લેવો તે ધર્મ છે.
જીવ જ્યારે એકલી પર્યાયને જ દેખે છે ને નિત્યતારૂપ સામાન્યસ્વભાવને નથી
દેખતો એટલે કે એકાન્ત પર્યાયમૂઢ થઈ જાય છે, ત્યારે અનેકાન્તવડે તેને વસ્તુસ્વરૂપ
સમજાવે છે કે ભાઈ! પર્યાયઅપેક્ષાએ અનિત્યતા હોવા છતાં તારામાં જ્ઞાનસામાન્ય–
રૂપથી નિત્યપણું છે, ક્ષણિક પર્યાય જેટલો જ તું આખો નથી. વળી કોઈ જીવ એકલી
નિત્યતાને જ માને ને જ્ઞાનવિશેષરૂપ પર્યાયને ન માને, પર્યાયને માનીશ તો હું ખંડિત
થઈ જઈશ–એમ અજ્ઞાનથી માને છે, તેેને પણ અનેકાન્તવડે સમજાવે છે કે ભાઈ!
દ્રવ્યઅપેક્ષાએ નિત્યતા હોવા છતાં તારામાં જ્ઞાનવિશેષઅપેક્ષાએ અનિત્યતા પણ છે.
નિત્યતા ને અનિત્યતા તે બંને તારું સ્વરૂપ છે–એમ અનેકાન્તવડે વસ્તુસ્વરૂપ
ઓળખાવ્યું છે. અનેકાન્તના એક પડખાને કાઢી નાંખે તો વસ્તુસ્વરૂપ સિદ્ધ ન થાય.
જ્ઞાનની વિશેષ પર્યાયો થવી તે પણ પોતાનું સ્વરૂપ છે; તે જ્ઞાનવિશેષો કાંઈ
પરને લીધે થતા નથી. પરને લીધે જ્ઞાન માને તો તેણે આત્માના અનિત્યસ્વભાવને
જાણ્યો નથી, અનેકાન્તને જાણ્યો નથી. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પોતાના
સ્વભાવથી જ છે, કોઈ બીજાને કારણે નથી. જ્ઞાનમાત્ર આત્મામાં તત્–અતત્પણું, એક–
અનેકપણું, દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી સત્–અસત્પણું અને નિત્ય–અનિત્યપણું એવો
અનેકાન્ત સ્વભાવથી જ પ્રકાશે છે. આવો જ્ઞાનમાત્ર આત્મા પરથી અને રાગથી ભિન્ન
કરીને અનેકાન્તવડે સર્વજ્ઞદેવે ઓળખાવ્યો છે. આવા આત્માનો અનુભવ કરવો તે
સર્વજ્ઞ–અરિહંતદેવનો માર્ગ છે.
जय अनेकान्त