જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭ :
ત્યાં તેને રોકવા કોઈ સમર્થ નથી. –આમ બંધમાં કે મોક્ષમાં જીવ એકલો જ છે, પોતે જ
સ્વતંત્રપણે પોતાના બંધ–મોક્ષને કે સુખ–દુઃખને કરે છે. આવી સ્વાધીનદ્રષ્ટિવડે પરનું
કર્તૃત્વ છૂટે ને પર મારું કરે એવી પરાધીનબુદ્ધિ છૂટે, –ભેદજ્ઞાન થઈને પોતે પોતાના
જ્ઞાનભાવપણે પરિણમે–એ જ સુખ છે, એ જ મોક્ષનો ઉપાય છે.
અરે જીવ! તારી સામે મરણ ઊંભુ છે ને છતાં તને કેમ બાહ્યવિષયોમાં હરખ
થાય છે! આ દેહનો સંયોગ તો છૂટી જશે–એ નજર સામે દેખાય છે છતાં કેમ તું
આત્માની દરકાર નથી કરતો! જીવન તો ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે પછી કયાં જઈશ–
એની કાંઈ ચિન્તા ખરી? કે એકલા બાહ્ય વિષયોમાં જ જીવન વેડફી રહ્યો છે! આ દેહાદિ
સર્વે સંયોગથી આત્મા જુદો છે, ને અંદરના રાગથી પણ જુદો છે, –જેને પર સાથે કાંઈ
સંબંધ નથી, પછી પરની હોંશ શી? રાગનો ઉત્સાહ શો?
અરે, પરના કર્તૃત્વમાં ને રાગના રસમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી રહ્યો છે.
પરન્તુ આત્મા પરનું કરે અને પુણ્યથી ધર્મ થાય એ વાત સર્વજ્ઞદેવના જૈનશાસનની
હદથી બહાર છે. તારી ચૈતન્યહદમાં રાગનો પ્રવેશ કેવો? ને તેમાં જડનાં કામ કેવા?
પરનું કરવાનું બુદ્ધિથી તો તારું પોતાનું અહિત થાય છે.
૧. આજ સુધી તેં કોઈ બીજાનું કાંઈ કાર્યું નથી.
૨. કોઈ બીજા તારું કાંઈ કરતા નથી.
૩. તારા આત્માને ભૂલીને તારી પર્યાયમાં તેં અજ્ઞાન અને રાગ–દ્વેષ કર્યા છે,
તેનાથી તારું ભાવમરણ છે.
૪. તે અજ્ઞાન અને રાગ–દ્વેષ પણ તારા આત્માનો કાયમી સ્વભાવ નથી; તારો
આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. તેનું ભાન કરતાં અજ્ઞાન ટળે ને જ્ઞાનભાવ
પ્રગટે, તે ધર્મ છે, તે જ તારું હિત છે.
અજ્ઞાનથી તું તારા આત્માનો હિંસક હતો; ભેદજ્ઞાન વડે તે હિંસારૂપ ભાવમરણ
ટળીને જ્ઞાન–આનંદમય જીવન પ્રગટે છે. આત્મા તો જગતનો સાક્ષી જ્ઞાનચક્ષુ છે, તે
જ્ઞાનચક્ષુ જાણવા સિવાય બહારમાં શું કરે? જ્ઞાનચક્ષુ પાસે બહારનાં કામ કરવાનું જે
માને છે તે તો આંખ પાસે પથરા ઉપડાવવા જેવું કરે છે.