Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯ :
શુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે મોક્ષનું મંગલ
શ્રુતપંચમીના પવિત્ર દિવસે સોનગઢમાં પૂ. બેનશ્રી ચંપાબેનના
વડીલબંધુ ભાઈશ્રી વૃજલાલભાઈ જે. શાહ તથા પં. શ્રી
હિંમતલાલભાઈ જે. શાહના નવા મકાન ‘‘ગુરુ–તેજ’’ ના વાસ્તુ
પ્રસંગે મોક્ષઅધિકારના મંગલ શ્લોક ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
સીમંધર ભગવાને અને મહાવીર ભગવાને કેવળજ્ઞાનચતુષ્ટય વડે કર્મશત્રુઓ
ઉપર વિજય મેળવ્યો છે; અહીં પણ મોક્ષઅધિકારના મંગળમાં કહે છે કે परं पूर्ण
ज्ञानं......विजयते– પરમઆનંદથી ભરેલું એવું પરમ પૂર્ણ જ્ઞાન ઉદય પામ્યું તે અનંત–
કાળ સુધી વિજયવંત વર્તે છે. આવું જ્ઞાન તે મંગળ છે.
આજે શ્રુતપંચમીનો પવિત્ર દિવસ છે. ભગવાન મહાવીરપ્રભુનો જે ઉપદેશ
ગૌતમગણધરદેવે શાસ્ત્રરૂપે ગૂંથ્યો, તેનો અંશ પરંપરાથી ધરસેન સ્વામીને પ્રાપ્ત થયો
હતો; તેઓ ગીરનારમાં રહેતા હતા. તેમણે તે શ્રુતજ્ઞાન પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને
આપ્યું; અને તેમણે તે ષટ્ખંડાગમરૂપે ગૂંથ્યું. તેનો મોટો ઉત્સવ આજના દિવસે
અંકલેશ્વરમાં થયો હતો. એ રીતે તીર્થંકર ભગવાનની વાણી સાથે સંધિનો આજનો
મહાન દિવસ છે.
ધરસેન સ્વામી પહેલા થયા ને પછી કુંદકુંદ સ્વામી થયા; તેમણે પણ ભગવાનની
વાણી સાક્ષાત્ ઝીલીને સમયસારાદિ અધ્યાત્મશાસ્ત્રો રચ્યા. પોન્નૂર ધામ ઉપર તે રચના
કરી હતી, –અને તેની નજીકમાં ધવલગિરિ છે ત્યાં ધવલાટીકા વીરસેનાચાર્યે રચી હતી–
એમ પ્રસિદ્ધ છે. અહો, એ દિગંબર સન્તો તો વીતરાગ હતા. એક જરાક સંજ્વલનરાગ
બાકી હતો, તે કાઢી નાંખો તો ભગવાનમાં ને તેમનામાં કાંઈ ફેર નથી.
ભગવાન મહાવીરનો ઉપદેશ ઝીલીને ગૌતમસ્વામી ભાવશ્રુતરૂપ પરિણમ્યા, તેથી
ધવલમાં કહ્યું છે કે ભગવાને ગૌતમ ગણધરને ભાવશ્રુતનો ઉપદેશ આપ્યો, એ
ભાવશ્રુતમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું છે.
આત્માનું જ્ઞાન જે ઢંકાયેલું હતું તે હવે उन्मज्जत् એટલે ઊછળીને પ્રગટ થ્યું,
સાથે પરમ આનંદને લેતું પ્રગટ થયું. અતીન્દ્રિય આનંદથી ભરેલું જ્ઞાન પોતે પોતાને
સ્વાનુભવ–પ્રત્યક્ષ થાય છે. મતિ–શ્રુતજ્ઞાન પણ સ્વસંવેદન વખતે અતીન્દ્રિય થયા છે.
–પ્રત્યક્ષ છે. ચોથા ગુણસ્થાનના મતિશ્રુતજ્ઞાનમાં પણ અંશે પ્રત્યક્ષપણું થાય છે.