Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૫ :
શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જ્ઞપ્તિક્રિયા; અને રાગને કરવારૂપ કરોતિક્રિયા એ બંને
ક્રિયા તો પરસ્પર વિરુદ્ધ છે, તે એક સાથે હોઈ શકતી નથી. જ્ઞાનીને જ્ઞપ્તિક્રિયા જ્ઞાનરૂપ
છે તેમાં કરોતિક્રિયાનો અભાવ છે. અજ્ઞાનીને રાગના કર્તૃત્વરૂપ કરોતિક્રિયા છે તેમાં
જ્ઞાનરૂપ જ્ઞપ્તિક્રિયાનો અભાવ છે. જ્ઞપ્તિક્રિયા મોક્ષનું કારણ છે, કરોતિક્રિયા બંધનું કારણ
છે. માટે જ્ઞાનીને બંધન નથી ને અજ્ઞાનીને બંધન છે.
ભાઈ, બંધના કારણને તો પ્રેમથી સેવી રહ્યો છો ને કહે છે કે મને બંધન નથી,
–એ તો તારો તીવ્ર અજ્ઞાનરૂપ સ્વચ્છંદભાવ છે. અશુદ્ધભાવરૂપ રહેવું ને કહેવું કે મને
બંધન નથી, –એને તો મૂઢતાને લીધે પોતાના પરિણામનુંય ભાન નથી. અહા, જ્ઞાનરૂપ
થાય એની તો આત્મદશા જ ફરી જાય. એ તો ભગવાનના માર્ગમાં ભળ્‌યો...
શુદ્ધસ્વરૂપની અનુભૂતિમાં શુભવિકલ્પનોય અભાવ છે ત્યાં અશુભની તો શી વાત?
જ્યાં રાગની રુચિ છે, બાહ્યસામગ્રીનો અંતરથી પ્રેમ છે ત્યાં તો અશુદ્ધભાવ છે, તે તો
બંધનું જ ઠેકાણું છે. શ્રી ગણધરદેવે તો શુદ્ધ સ્વરૂપના અનુભવશીલને અબંધ કહ્યો છે.
એનું જ્ઞાન તો રાગાદિથી જુદું જ પરિણમે છે. રાગથી જુદું પરિણમતું જ્ઞાન તે તો બંધનું
અકારણ જ છે, એટલે કે મોક્ષનું જ કારણ છે.
જ્ઞાની નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયને જ સ્વજ્ઞેય માને છે, રાગાદિ પરભાવોને
સ્વજ્ઞેયમાં નથી માનતા પણ સ્વથી ભિન્ન પરજ્ઞેયપણે જાણે છે. જ્ઞાનનો સ્વભાવ અને
રાગનો સ્વભાવ એક નથી પણ જુદો છે. તેમને કર્તા–કર્મપણાનો સંબંધ નથી. અરે, જ્ઞાન
અને રાગને પણ જ્યાં કર્તાકર્મપણું નથી ત્યાં જ્ઞાન જડ શરીરાદિનાં કાર્ય કરે એ વાત તો
ક્યાં રહી? જડથી પણ જ્ઞાનની ભિન્નતા જેને ન ભાસે તે રાગથી ભિન્ન જ્ઞાનનો
અનુભવ ક્યાંથી કરે? ને રાગથી ભિન્ન થયા વિના કર્મબંધન કેમ અટકે?
ધર્મીને જેટલો રાગ છે તેટલું બંધન છે, પણ તે રાગ અને બંધન એ બંનેથી
ભિન્ન જ્ઞાનપણે જ તે પોતાને અનુભવે છે; તેથી એવો અનુભવશીલ જ્ઞાનભાવ બંધનું
કારણ નથી, માટે જ્ઞાનીને અબંધ કહ્યા છે. અજ્ઞાનીને રાગથી જુદા જ્ઞાનનો કોઈ
અનુભવ નથી, તે તો મીઠાસપૂર્વક રાગમાં જ તન્મય વર્તે છે, તે રાગનો કર્તા છે ને
તેથી તેને જરૂર બંધન થાય છે. જે રાગનો કરનાર છે તે શુદ્ધસ્વરૂપનો જાણનાર નથી;
જે જાણનાર છે તે રાગનો કરનાર નથી. જાણનારને બંધન નથી; રાગના કરનારને
બંધન છે. આ રીતે જ્ઞાનભાવ અને રાગનો કર્તાભાવ એ બંને ભાવો એકબીજાથી
વિરુદ્ધ છે. તેના દ્વારા જ્ઞાની–