: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૭ :
મનુષ્યમાં સમ્યગ્દ્રષ્ટિ સંખ્યાત છે.
તિર્યંચમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાત છે.
સિદ્ધમાં તો અનંતજીવો બધાય સમ્યગ્દ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ ત્યાં છે જ નહિ.
હવે આ બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોનો સમૂહ શું કરે છે? કે શુદ્ધસ્વરૂપને અવલંબીને
આનંદનો ઉપભોગ કરે છે, ને સમસ્ત વ્યવહારનું અવલંબન છોડે છે. શાર્દૂલસિંહની જેમ
નિજાનંદની મસ્તીમાં વિચરે છે.
અત્યારથી માંડીને ભવિષ્યનો અનંતાનંતકાળ આત્મિક સુખનો જ અનુભવ કર્યા
કરે– એવું મહા કાર્ય શું વ્યવહારના અવલંબને થતું હશે? ના; શુદ્ધનિશ્ચયરૂપ
જ્ઞાનાનંદસ્વરૂપના અવલંબને જ અનંતકાળનું મહાન સુખ પ્રગટે છે. માટે સન્તો,
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ; અતીન્દ્રિય સુખના અભિલાષીઓ, પરમ સંતોષથી
નિજમહિમાથી ભરપૂર શુદ્ધસ્વરૂપમાં જ એકાગ્રતા કરે છે. સમ્યક્નિશ્ચયરૂપ નિજસ્વરૂપ
સિવાય બીજાનો મહિમા ધર્મીને આવતો નથી. ભાઈ! તેરા પંથ બહારમેં નહિ, તેરા પંથ
રાગમેં નહિ, તેરા પંથ તારા શુદ્ધસ્વરૂપમાં જ છે. આવા શુદ્ધસ્વરૂપને જેઓ અવલંબે છે
તેઓ જ ભગવાનના પંથમાં છે. રાગથી ધર્મ માને તેઓ ભગવાનના પંથમાં નથી.
શુદ્ધસ્વરૂપના વેદનમાં રાગના વેદનનો અભાવ છે. જેનો અભાવ છે તેના
અવલંબને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય? ન જ થાય. માટે ધર્માત્મા જીવો રાગનું
અવલંબન સર્વથા છોડીને શુદ્ધસ્વરૂપના નિજ મહિમામાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે.
સત્ય વસ્તુ એટલે શુદ્ધ વસ્તુ નિર્વિકલ્પ છે; કોઈ વિકલ્પ વડે તે અનુભવમાં
આવી શકતી નથી, વિકલ્પ તેમાં પ્રવેશી શકતો નથી. ધર્મી જીવો આવી શુદ્ધવસ્તુને
આક્રમે છે એટલે કે પુરુષાર્થ વડે તેમાં પહોંચી વળે છે, –અંતર્મુખ થઈને તેમાં પ્રવેશે છે.
બીજા બધાને છોડે છે ને અંતરમાં સમ્યક્નિશ્ચયને એકને જ ગ્રહણ કરે છે, –આ જ
મોક્ષમાર્ગ છે, ને આજ ધર્માત્માનું ચિહ્ન છે.
શુદ્ધસ્વરૂપને અનુભવમાં લેતાં, તે શુદ્ધસ્વરૂપથી વિપરીત જે કોઈ પરભાવો છે તે
બધા છૂટી જાય છે. નિશ્ચયનો આશ્રય કરતાં વ્યવહારનો આશ્રય છૂટી જાય છે. સર્વજ્ઞના
પંથના કેડાયતી એવા સન્તો આ પ્રકારે એક નિશ્ચયના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે.