મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે, મારે મારા આત્માને ભવબંધનથી છોડાવવો છે–એમ
અત્યંત સાવધાન થઈને, મહાન ઉદ્યમપૂર્વક હે જીવ! તું તારા આત્માને બંધનથી જુદો
અનુભવમાં લે....અનાદિની ઊંઘ ઊડાડીને જાગૃત થા.
શૂરવીર થઈને– ઉદ્યમી થઈને આનંદનો અનુભવ કરજે. ‘હરિનો મારગ છે શૂરાનો’...તે
પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં કયાંય અટકતા નથી; એને એક પોતાના આત્માર્થનું
જ કામ છે. તે ભેદજ્ઞાનવડે આત્માને બંધનથી સર્વથા પ્રકારે જુદો અનુભવે છે. આવો
અનુભવ કરવાનો આ અવસર છે –ભાઈ! તેમાં શાંતિથી તારી ચેતનાને અંતરમાં
એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન કર....ને રાગાદિ સમસ્ત
બંધભાવોને ચેતનથી જુદા અજ્ઞાનરૂપ જાણ. આમ સર્વથા પ્રકારે ભેદજ્ઞાન કરીને તારા
એકરૂપ શુદ્ધઆત્માને સાધ. મોક્ષને સાધવાનો આ અવસર છે.
શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું મોક્ષપંથે આવ.
વાંચું સદા સદ્ગ્રંથ....સ્વાનુભૂતિ કાં થાય નહિ?
સ્વ–પર ભિન્ન કહું છતાં ઉપયોગ સ્વમાં આવે નહિ,
જીવન પળો ખૂટી રહી, ક્યમ કામ પૂરું થાય નહિ?