Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩ :
જીવ શુદ્ધ છે. આવા શુદ્ધમાર્ગનો એવો દ્રઢ નિર્ણય કરવો જોઈએ કે કોઈથી ડગે નહિ.
નિઃશંક નિર્ણયના જોરે માર્ગ સધાય છે. આ જ પ્રકારના માર્ગથી ધર્મી જીવો મોક્ષને સાધે
છે. શુદ્ધોપયોગવડે જ્યાં સ્વરૂપમાં મગ્ન થાય છે કે તત્કાળ તે મોક્ષસુખને અનુભવે છે.
રાગરૂપી પ્રમાદમાં તો કષાયના ભારથી ભારેપણું છે–બોજો છે, ને શુદ્ધસ્વરૂપનો
અનુભવ તો ચેતનારસથી ભરેલો છે, આનંદરસથી નિર્ભર છે. ભાર તો બંનેમાં છે–
એકમાં કષાયનો ભાર છે, બીજામાં શાંતિનો ભાર છે. રાગી પ્રાણીને રાગની વાતમાં રસ
આવે છે, ધર્માત્માને આત્માના અનુભવની ચર્ચામાં રસ આવે છે. અરે, જે ચૈતન્યના
અનુભવની વાર્તામાં પણ આવો આનંદ, તે ચૈતન્યના સાક્ષાત્ અનુભવના આનંદની તો
શું વાત ! આવા આનંદને અનુભવતાં–અનુભવતાં ધર્માત્મા મોક્ષમાં ચાલ્યા જાય છે.
* * *
મોક્ષમાર્ગ એટલે નિરપરાધ નિર્દોષ ભાવ, તેમાં રાગ–દ્વેષ–મોહનો અભાવ છે.
જેટલા રાગ–દ્વેષ–મોહભાવ સ્થૂલ કે સૂક્ષ્મ, અશુભ કે શુભ, તે બધાય અપરાધ છે,
તેમનાથી રહિત મોક્ષમાર્ગ છે. જે અપરાધ હોય તે મોક્ષનું કારણ કેમ થાય? –તે તો
બંધનું જ કારણ છે. શુભરાગ સમ્યગ્દ્રષ્ટિનો હોય તોપણ તે કાંઈ મોક્ષનું કારણ નથી.
મોક્ષ પૂર્ણ અતીન્દ્રિય સુખરૂપ છે ને તેનો ઉપાય પણ અતીન્દ્રિય સુખમય છે.
શુદ્ધપરિણતિવડે જે શુદ્ધચિદ્રૂપનો અનુભવ તે મોક્ષમાર્ગ છે. રાગના સહારે તે અનુભવ
થતો નથી, શુદ્ધતાના સહારે જ તે અનુભવ થાય છે. તે અનુભવમાં અતીન્દ્રિય સુખનું
પૂર વહે છે, તેમાં ધર્મી મગ્ન છે.
અનુભવદશાવડે ધર્મીને શુદ્ધ ચેતના અને સુખનો પ્રવાહ વહે છે; તેના વડે સકળ
કર્મોનો ક્ષય કરીને તે પૂર્ણ અતીન્દ્રિયસુખરૂપ મોક્ષને પામે છે. મોક્ષનું કારણ મોક્ષની
જાતનું જ હોય છે, એનાથી વિરુદ્ધ નથી હોતું કારણ ને કાર્ય એક જાતના હોય, વિરુદ્ધ ન
હોય, પૂર્ણ સુખરૂપ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન તે પણ સુખના પ્રવાહથી ભરેલું છે. ચોથા
ગુણસ્થાનનું સમ્યગ્દર્શન પણ અતીન્દ્રિય સુખથી સહિત છે. સુખના અનુભવ વગરનું
સમ્યગ્દર્શન હોઈ જ ન શકે.
મોક્ષ અને મોક્ષનો માર્ગ સ્વદ્રવ્યને આશ્રિત છે. પર દ્રવ્યના આશ્રયે અશુદ્ધતા
થાય છે, સ્વદ્રવ્યના આશ્રયે શુદ્ધતા થાય છે. જ્ઞાનમાત્ર ભાવ જ હું છું એવી પ્રતીતમાં
રાગના અંશનેય ધર્મીજીવ ભેળવતા નથી. ચોથા ગુણસ્થાનથી સર્વજ્ઞનો માર્ગ શરૂ થાય
છે; ત્યાંથી જ શુદ્ધ ચૈતન્યના અમૃતનો પ્રવાહ શરૂ થાય છે, આનંદનું પૂર વહે છે. આવો
અનુભવ તે મોક્ષમાર્ગ છે.
*