: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯ :
આનંદસ્વાદને જાણતો નથી, એટલે તેને જ અશુદ્ધભાવથી પરભાવનું કર્તા–ભોક્તાપણું
છે. મિથ્યાદ્રષ્ટિના પરિણમનનો આવો સ્વભાવ છે કે રાગાદિમાં એકત્વબુદ્ધિરૂપ પરિણમે
છે. જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિનો આવો સ્વભાવ છે કે તે પોતાના શુદ્ધચૈતન્યનો જ સ્વામી થઈને
પરિણમે છે, અશુદ્ધભાવોમાં એકત્વબુદ્ધિરૂપ પરિણમતા નથી. આવા સમ્યગ્દ્રષ્ટિને
સિદ્ધસમાન કહ્યા છે. મિથ્યાત્વ તે સંસાર છે, મિથ્યાત્વ મટતાં જીવ પોતાને સિદ્ધસદ્રશ
અનુભવે છે.
શુભરાગ વખતે અજ્ઞાની રાગને જ અનુભવે છે, પણ જ્ઞાનપણે પોતાને
અનુભવતો નથી; તેથી તે રાગનો કર્તા–ભોક્તા જ છે. જ્ઞાની તો રાગ વખતેય પોતાને
રાગથી ભિન્ન જ્ઞાનપણે ઓળખે છે, એટલે તે રાગના કર્તા–ભોક્તા નથી. જ્ઞાની
જ્ઞાનસ્વભાવમાં નિરત છે ને રાગથી વિરત છે. અજ્ઞાની રાગમાં નિરત છે ને જ્ઞાનથી
વિરત છે. જ્ઞાનીના જ્ઞાનપરિણમનમાં રાગાદિનું કર્તૃત્વ નથી. અજ્ઞાનીના
અજ્ઞાનપરિણમનમાં જ રાગાદિનું કર્તૃત્વ છે. અહીં તો કહે છે કે રાગાદિના કર્તૃત્વરૂપ
અજ્ઞાનભાવ તે જ સંસાર છે. ને રાગના કર્તૃત્વથી છૂટેલો જ્ઞાનમયભાવ તે મુક્તસ્વરૂપ
છે. સિદ્ધભગવાન જેમ વિકારને કર્તા નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ વિકારને તન્મયપણે
કરતો નથી, તેનાથી તો તે વિરક્ત જ છે. ઉપયોગલક્ષણરૂપ આત્મા વિકારને કેમ કરે?
જેટલા રાગાદિ ભાવો છે તે બધાય કર્મ તરફના ભાવો છે, આત્માના સ્વભાવ
તરફના તે ભાવો નથી. આત્માના સ્વભાવ તરફના ભાવો તો જ્ઞાનમય છે. આમ બંને
ભાવને ભિન્ન જાણતા થકા નિપુણ જીવો રાગાદિનું કર્તૃત્વ છોડીને જ્ઞાનપણે જ પરિણમે
છે, ને અજ્ઞાનને છોડે છે. જ્ઞાનભાવ કાંઈ વિકારપણે પરિણમતો નથી, તેથી જ્ઞાનીના
જ્ઞાનભાવમાં વિકારનું કર્તૃત્વ છે જ નહિ.
જે પોતામાં રાગનું કર્તૃત્વ જ અનુભવે છે તેણે શુદ્ધઆત્માને દેખ્યો નથી. એ જ
રીતે સામા જ્ઞાનીઆત્માને જે રાગના કર્તાપણે દેખે છે તેણે જ્ઞાનભાવે પરિણમતા
જ્ઞાનીને ઓળખ્યા નથી, જ્ઞાનીને તે દેખતો નથી, રાગને જ દેખે છે, ભાઈ, તારે જ્ઞાનીને
ઓળખવા હોય તો સંયોગથી ને રાગથી ભિન્ન એવા જ્ઞાનને દેખ. જ્ઞાની તો
જ્ઞાનભાવમાં વર્તે છે; રાગાદિભાવમાં જ્ઞાની વર્તતા નથી. રાગાદિ અશુદ્ધભાવો તો
જ્ઞાનથી છૂટા પડ્યા છે. તારે જ્ઞાનીને દેખવા હોય તો રાગના અકર્તૃત્વને દેખ. રાગના
કર્તૃત્વને દેખતાં તને જ્ઞાની નહિ દેખાય; તેમાં તો રાગ જ દેખાશે.
સમ્યગ્દ્રષ્ટિ કહો કે જ્ઞાની કહો, તે શું કરે છે ? કે કેવળ જાણે છે એટલે કે માત્ર
જ્ઞાનરૂપે જ પરિણમે છે, જ્ઞાન જ હું છું એમ વેદે છે, પણ રાગાદિ અશુદ્ધભાવોને કરતા કે
વેદતા નથી. આ રીતે રાગ વગરનું એકલું જ્ઞાન તે મુક્તસ્વરૂપ છે, તેથી ‘स हि मुक्त
एव’ તે જ્ઞાની મુક્ત જ છે. જ્ઞાનમાં બંધન કેમ હોય? બંધન તો અજ્ઞાનથી ને રાગથી
હોય; પણ એનાથી તો જ્ઞાની જુદા પડી ગયા છે.