છંદ, પ–ચાલ અને ૬–હરિગીત, એ પ્રમાણે છ પ્રકારના ઢાળમાં છ પ્રકરણો છે.
અથવા મિથ્યાત્વાદિ શત્રુઓથી આત્માની રક્ષા કરવાના ઉપાયનું આમાં
વર્ણન છે એટલે મિથ્યાત્વાદિથી રક્ષા કરવા માટે આ શાસ્ત્ર ઢાળ સમાન છે.
પંડિત શ્રી દૌલતરામજીએ પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રોનો નીચોડ કરીને
આ છઢાળામાં ગાગરમાં સાગરની જેમ ભર્યો છે, પૂર્વાચાર્યોના કથનઅનુસાર
શાસ્ત્રના રહસ્યની ઘણી વાત આમાં મુકી છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાની
સંસારઅનુપ્રેક્ષામાં પણ ચારગતિનાં દુઃખોનું વર્ણન આ જ શૈલીથી આવે છે,
તેને અનુસરીને આ છ ઢાળામાં લખ્યું હોય એમ લાગે છે. આ છહઢાળા
પાઠશાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પ્રસિદ્ધ છે; ઘણા જૈનો તે કંઠસ્થ પણ
કરે છે. નવનીતભાઈ ઝવેરીની માંગણીથી તેના ઉપર આ પ્રવચનો શરૂ થાય
છે. તેમાં પ્રથમ વીતરાગ–વિજ્ઞાનને નમસ્કાર કરીને મંગલચરણ કરે છે–
शिवस्वरुप शिवकार नमुं त्रियोग सम्हारिके।।१।।
આ શ્લોકમાં સોરઠા–રાગ છે, તેની ગાવાની ખાસ હલક છે. શાસ્ત્રકાર આ
મંગળશ્લોકમાં અરિહંત ભગવાનના વીતરાગ–વિજ્ઞાનને નમસ્કાર કરતાં કહે છે કે–
વીતરાગ–વિજ્ઞાનરૂપ કેવળજ્ઞાન તે ત્રણ ભુવનમાં સાર છે–ઉત્તમ છે, તે શિવસ્વરૂપ
એટલે કે આનંદસ્વરૂપ છે, અને શિવકાર એટલે કે મોક્ષનું કરનાર છે. આવા સારભૂત
વીતરાગ–વિજ્ઞાનને હું ત્રણે યોગની સાવધાનીપૂર્વક નમસ્કાર કરું છું.