આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્યા
છે...તેમાં કરવાનું તો એક આ જ છે. અંદરમાં જરા
ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી, વિચાર કર તો
તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક
થઈને રહેવા યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે.
બંનેનો સ્વભાવ જુદો છે તેથી જુદા પડી જાય છે.
ભાઈ! સમય–સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે;
તેમાં જો તું તારા સ્વભાવ–સન્મુખ ન થયો તો તેં શું
કર્યું? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે
તેટલા પ્રયત્નવડે પણ વિકારથી ભિન્ન ચેતનનો
અનુભવ કરવો–તે જ કરવાનું છે.