: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૩ :
જ રહે છે. તે જ્ઞાનચેતના આત્મિકરસથી ભરપૂર છે, અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. ધર્મીને આત્મામાં આનંદથી ભરેલા
ચૈતન્યકલ્લોલ ઊલ્લસે છે.
ધર્મીએ અંતરમાં ધ્યેય કરીને પોતાના પરિપૂર્ણ આત્માને જાણ્યો;
ત્યાં આખા જગતને પણ જાણી લ્યે એવું જ્ઞાનનું સામર્થ્ય પ્રતીતમાં
આવ્યું. જીવ અખંડ જ્ઞાનસ્વભાવી છે, તો તે જ્ઞાનનું સામર્થ્ય અધૂરું કેમ
હોય? આખો સર્વજ્ઞસ્વભાવ ધર્મીએ પોતામાં દેખ્યો, ત્યાં તે જગતનો
જ્ઞાતા થયો.
જ્ઞાનસ્વરૂપ આત્માને જે ચેતે તે જ્ઞાનચેતના; રાગવડે આવી
જ્ઞાનચેતના નથી પ્રગટતી. રાગનો તો જ્ઞાનચેતનામાં અભાવ છે.
જ્ઞાનચેતના તો ચૈતન્યપ્રકાશથી ભરેલી છે. જ્ઞાનચેતનાવડે શુદ્ધઆત્માને
જે અનુભવે છે તેને શુદ્ધતા પ્રગટે છે. ને અજ્ઞાનચેતનારૂપ અશુદ્ધતાને જે
અનુભવે છે તેને અશુદ્ધતા જ થાય છે. આ રીતે જ્ઞાનચેતના તે મોક્ષમાર્ગ,
ને અજ્ઞાનચેતના તે સંસારમાર્ગ છે.
ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનચેતનારૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો છે.
જ્ઞાનચેતના વગર મોક્ષમાર્ગ હોય નહિ. આનંદમય જ્ઞાનચેતનાને
પરિણમાવતા જ્ઞાની ચૈતન્યના પ્રશમરસને પીએ છે. જ્ઞાનચેતના
આનંદસહિત હોય છે. જ્ઞાનચેતના ખીલે ને આનંદનો અનુભવ ન થાય
એમ બને નહિ. રાગથી જુદી પડીને શુદ્ધસ્વભાવમાં એક થઈ–એવી
જ્ઞાનચેતના શુદ્ધપરિણતિરૂપ વીતરાગવૈભવથી સહિત છે.
અરે, મનુષ્યપણું પામીને આ જ્ઞાનચેતના પ્રગટ કરવાનો અવસર
છે. એ વસ્તુને ખ્યાલમાં તો લે. સાચું લક્ષ કરીને તેનો પક્ષ કરતાં, તેના
અભ્યાસમાં દક્ષ થઈને તેનો અનુભવ થશે. પણ લક્ષ અને પક્ષ જ જેને
ખોટા છે તે શુદ્ધતાનો અનુભવ કયાંથી કરશે? અજ્ઞાની રાગનો પક્ષ કરે
છે, –રાગથી કંઈક લાભ થશે એમ માનીને તેનો પક્ષ કરે છે એટલે તે
રાગાદિ અશુદ્ધતારૂપે જ પોતાને અનુભવે છે. ધર્મી પોતાના
શુદ્ધસ્વભાવને અનુભવે છે; –આવો શુદ્ધ અનુભવ તે મોક્ષમાર્ગ છે. જે
આવા શુદ્ધઅનુભવરૂપ જ્ઞાનચેતના વગર પોતાને ધર્મી માને તેને ધર્મના
સાચા સ્વરૂપની ખબર પણ નથી, ધર્મને કે ધર્મીને તે ઓળખતો જ નથી.