: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
બહારના પદાર્થો જુદા, શરીર જુદું, મન જાદું, વાણી જુદી, પાપ જુદું, પુણ્ય જુદું–એ
બધાયથી જુદું એવું જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, ને તે જ્ઞાનસ્વભાવ વડે સમસ્ત જ્ઞેયોને
જાણવાનું આત્માનું સામર્થ્ય છે. પરજ્ઞેયને જાણવા છતાં આત્મામાં અશુદ્ધતા કે ઉપાધિ આવી જતી
નથી કેમકે પરને જાણવા છતાં આત્મા પરમાં ભળી જતો નથી. ભગવાનની વાણીએ આવી
ભિન્નતા બતાવી છે. આવી વસ્તુસ્થિતિ પ્રગટ હોવા છતાં જીવો કેમ ભ્રમ કરે છે? ભ્રમથી સ્વ–
પરની ભેળસેળ હોવાનું કેમ માને છે? જ્યાં વ્યવહારે એકબીજામાં ઉપચાર કરીને કહ્યું ત્યાં
અજ્ઞાની ખરેખર જ સ્વ–પરને એક માની બેઠો. પણ ભાઈ! વ્યવહાર તો એકને બીજામાં
ભેળવીને, એકના ભાવને બીજાનો કહે છે, પણ વસ્તુસ્વરૂપ એવું નથી. સ્વ–પરનો કોઈ અંશ
એકબીજામાં ભળતો નથી. સ્વના ભાવોને સ્વ, ને પરના ભાવોને પર, એમ સ્વ–પરને અત્યંત
ભિન્ન જાણતાં–માનતાં પરિણતિ સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. મહાવીર
ભગવાને આવા વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ જગતને આપ્યો. મહાવીર ભગવાને શું કહ્યું? કે સ્વ–
પરની ભિન્નતા બતાવીને વીતરાગવિજ્ઞાન કરવાનું કહ્યું. –આ જ ભગવાનના દિવ્યધ્વનિનો
સન્દેશ છે. ‘‘जय महावीर’’
પ્રશ્ન : – જગતમાં મૈત્રી કોની કરવી ?
ઉત્તર : – સિદ્ધ ભગવંતોની.
પ્રશ્ન : – કોની સાથે કિટ્ટા કરવી ?
પ્રશ્ન : – મિથ્યાત્વાદિ પરભાવો સાથે.
પ્રશ્ન :– સિદ્ધપ્રભુ સાથે મૈત્રી કેવી રીતે થાય?
ઉત્તર :– મિત્રતા સરખે સરખાની શોભે; એટલે ‘જેવા સિદ્ધ તેવો
હું’ એવો અનુભવ કરતાં સિદ્ધપ્રભુ સાથે મિત્રતા થાય, ને સાદિઅનંત
કાળ સિદ્ધપ્રભુની સાથમાં રહેવાનું બને.
પ્રશ્ન :– પરભાવો સાથે કટ્ટી કઈ રીતે કરવી?
ઉત્તર:– હું ને તું જુદા, મારામાં તું નહિ ને તારામાં હું નહિ, એમ
સ્વભાવ અને પરભાવની અત્યંત ભિન્નતા અનુભવતાં પરભાવો સાથે
કિટ્ટા થઈ જાય છે એટલે કે તેની સાથેનો સંબંધ સર્વથા છૂટી જાય છે.
પરભાવો તે મારા સ્વભાવની જાત નથી પણ કજાત છે,
–કજાત સાથે મિત્રતા કેવી ?