: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
જુઓ, આ વીતરાગનાં વચનો! અમૃતસ્વરૂપ પરમ શાંત આત્માનો અનુભવ
કરાવનારાં વચનોને પણ ‘અમૃત’ કહ્યાં છે–
વચનામૃત વીતરાગનાં... પરમ શાંતરસમૂળ.
ભાઈ, તું તારા ચૈતન્યસ્વભાવને સ્પર્શ એટલે તેને અનુભવમાં લે. એના અનુભવ
વગરનું જાણપણું એ તો બધા વિકલ્પો છે. સ્વધ્યેયને જે ચૂક્યો તેને સાધકપણું કેવું ?
સમ્યગ્દ્રષ્ટિ–સાધકના ધ્યેયમાં નિરંતર રાત–દિન અખંડ ધારાપણે પોતાનો શુદ્ધઆત્મા જ
બિરાજે છે; એના સિવાય બીજાની અધિકતા કદી ભાસતી નથી. તેને સ્યાદ્વાદમાં કુશળતા
છે એટલે કે દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુના અનુભવમાં તેને કુશળતા છે; મતિશ્રુતજ્ઞાન ને
અંતર્મુખ કરીને આત્માને પ્રત્યક્ષરૂપ કર્યો છે; વિકારથી જુદો, ઉપર તરતો આત્મા
અનુભવમાં લીધો છે. રાગને તે ક્ષણમાત્ર નથી ભાવતો, શુદ્ધઆત્માને સતત નિરંતર
ભાવે છે....જેણે આવું સ્વરૂપ જાણ્યું છે–અનુભવ્યું છે તેને જ મોક્ષમાર્ગ છે.
થોડા શબ્દોમાં મોટા ભાવો ભર્યા છે....અહા, સંતોએ અનુભવના માર્ગ ખુલ્લા
મુક્યા છે....ગુરુદેવ સંત–મુનિઓ પ્રત્યેની ભક્તિથી વારંવાર કહે છે કે ‘અહો! સંતોએ
મારગ સહેલા કરી દીધા છે!’ અને ‘અમૃત વરસ્યા છે પંચમ કાળમાં....અમૃત વરસ્યા
છે તારા આત્મામાં.’ (ગુરુદેવના આવા હિતપ્રેરક ઉદ્ગારો સાંભળતાં શ્રોતાજનોનાં હૈડાં
હર્ષવિભોર બનીને નાચી ઊઠે છે.)
ભાઈ, મોક્ષમાર્ગનું સાધન તારામાં ભર્યું છે. નિત્ય–પરિણામી વસ્તુ છે, દ્રવ્યપણે
નિત્ય છે ને પર્યાયરૂપે પરિણામી છે. આવી દ્રવ્યરૂપ–પર્યાયરૂપ વસ્તુનો અનુભવ
કરવામાં ધર્મી જીવો કુશળ છે. અને આવો અનુભવ કરતાં રાગાદિ અશુદ્ધપરિણતિ છૂટી
જાય છે, અશુદ્ધતા રહિત એવી વીતરાગી શુદ્ધપરિણતિ વગર શુદ્ધવસ્તુનો અનુભવ થાય
નહીં; સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને અનુભૂતિની જે શુદ્ધપર્યાય છે તે પણ વીતરાગ છે,
રાગ વગરની છે. રાગવડે કાંઈ શુદ્ધઆત્માની અનુભૂતિ ન થાય. એક શુદ્ધઆત્માને જેણે
જાણ્યો તેણે સર્વ જાણ્યું; અરિહંતોને અને સિદ્ધોને તેેણે ઓળખ્યા, મુનિને અને જ્ઞાનીને
તેણે ખરેખરા ઓળખ્યા. કેમકે જ્ઞાની–મુનિ ને કેવળી તે બધાય પણ આવા શુદ્ધઆત્માના
અનુભવસ્વરૂપ છે; પોતે એવો અનુભવ કરીને તેમની નાતમાં ભળ્યો ત્યારે તેમની ખરી
ઓળખાણ થઈ...તે સાધક થયો. ને જ્ઞાનમાં જ પૂર્ણ એકાગ્રતા વડે તે અલ્પકાળમાં
કેવળજ્ઞાનરૂપ સાધ્યદશાને પામશે. આ રીતે સાધક અને સાધ્ય બંને ભાવો જ્ઞાનસ્વરૂપ
આત્માના અનુભવની ભૂમિકામાં જ સમાય છે. શુદ્ધજીવના સ્વરૂપનો અનુભવ
મોક્ષમાર્ગ છે.