: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
જ્ઞાનપરિણામ રાગથી જુદા ને જુદા જ રહે છે. જ્ઞાન અને રાગના સ્વરૂપની આવી
ભિન્નતાનો નિર્ણય કરતાં પોતામાં જરૂર ભેદજ્ઞાન થાય છે.
૨૯. અજ્ઞાનીને પર્યાયેપર્યાયે રાગાદિ બંધભાવો સાથે એકત્વબુદ્ધિ છે, એટલે તેના બધા
ભાવો અજ્ઞાનમય છે. ભિન્ન જ્ઞાનની તો તેને ખબર નથી. અશુભ કે શુભ બંને
ભાવ વખતે અજ્ઞાની પોતાને રાગમય અશુદ્ધ જ દેખે છે, એનાથી જુદું સ્વરૂપ એને
ભાસતું નથી; તેથી તેને અજ્ઞાનચેતના છે–અશુદ્ધચેતના છે.
૩૦. પાપના અશુભ કે પુણ્યના શુભ તે બધા પરિણામો જ્ઞાનમાંથી ઉપજેલા નથી પણ
અશુદ્ધજાતિમાંથી જ ઉપજ્યા છે, એટલે તે ભાવો જ્ઞાનમય નથી પણ અજ્ઞાનમય
છે, અશુદ્ધ છે. જ્ઞાનીને, શુભ–અશુભ વખતેય તેનાથી જુદી નિર્મળ જ્ઞાનધારા
ચાલી રહી છે; – તેથી તેને જ્ઞાનચેતના છે, શુદ્ધચેતના છે.
૩૧. શુભ કે અશુભપરિણામ તથા તે સંબંધી બાહ્યક્રિયા, તો અજ્ઞાનીને હોય, જ્ઞાનીને
પણ હોય, બંનેને એકસરખા જેવું દેખાય, પણ તે જ વખતે અંતરની પરિણામ
ધારામાં બંને વચ્ચે મોટો ફેર છે. જ્ઞાનીનું જ્ઞાન તો તે જ વખતે રાગાદિથી વેગળું
રહીને પરિણમે છે, ને અજ્ઞાની રાગાદિમાં તન્મયબુદ્ધિથી વર્તે છે; એટલે જ્ઞાની
જ્ઞાનમય પરિણામમાં અબંધપણે વર્તી રહ્યા છે, ને અજ્ઞાની રાગાદિ બંધભાવોમાં
વર્તી રહ્યો છે.
૩૨. જ્ઞાન ને રાગની ભિન્નતા પોતાના લક્ષમાં આવ્યા વગર જ્ઞાની અને અજ્ઞાનીનો
ફેર સમજાય નહિ. જ્ઞાનીને જે ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન શુભાશુભ વખતેય ખસતું
નથી, શુભાશુભમાં તેનું જ્ઞાન ભળી જતું નથી પણ ભિન્ન જ રહે છે. આવી
ભિન્નતાનું ભાન તે જ્ઞાનચેતના છે; ને આવી જ્ઞાનચેતના બંધનું કારણ થતી
નથી. જ્ઞાનીને જ આવી જ્ઞાનચેતના હોય છે.
૩૩. નિર્વિકલ્પતા વખતે જ ધર્મીને જ્ઞાનચેતના હોય ને અશુભ કે શુભરાગ વખતે તે
જ્ઞાનચેતના ચાલી જાય– એમ નથી. ચૈતન્યસ્વભાવને અવલંબનારી જ્ઞાનચેતના
તેને સદાય વર્તે છે. રાગ વખતે તેની ચેતના રાગમય થઈ જતી નથી, પણ રાગથી
ભિન્ન શુદ્ધાત્માને ચેતતી થકી તે ચેતના તો ચેતનામય જ રહે છે. માટે જ્ઞાનીને
સદાય ચેતનભાવરૂપી પરિણામ વર્તે છે. તે ભાવ બંધનું કારણ નથી. તે
અબંધભાવ છે, ને તે મોક્ષનું કારણ છે.
૩૪. અહો, ચૈતન્યસ્વભાવનો જેને પ્રેમ જામ્યો છે તેનાં પરિણામ તેવી જાતનાં જ હોય
છે. દ્રવ્યનો એવો જ શુદ્ધસ્વભાવ છે કે તેના આશ્રયે અશુદ્ધતા જ પરિણમે