: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
સંવેદનપ્રત્યક્ષ કર્યો છે, વિકલ્પનું ને વાણીનું કર્તૃત્વ જ્ઞાનમાં રહ્યું નથી. આવા
પોતાના તેમ જ પંચપરમેષ્ઠીના આત્માનું સ્વરૂપ ઓળખીને નમસ્કાર કર્યાં છે.
નમસ્કારનો વિકલ્પ ઊઠ્યો છે તેનાથી પણ પોતાને ભિન્ન જાણે છે, ને અંદર આત્માની
શુદ્ધતા થતી જાય છે, એનું નામ ભાવનમસ્કાર છે. આવા નમસ્કાર કરીને તે
પંચપરમેષ્ઠી ભગવંતોના આશ્રમને પામીને હું સમ્યગ્દર્શન–જ્ઞાનસમ્પન્ન થયો છું. જુઓ,
પોતાના આત્મામાં સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થયું તેની નિઃશંક ખબર પડે છે. આવા
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક જ શુદ્ધોપયોગી ચારિત્રદશા હોય છે. મુનિઓને પણ
શુદ્ધોપયોગરૂપ જે વીતરાગચારિત્ર છે જે તે મોક્ષનું કારણ છે; શુભરાગ રહી જાય તેટલું
પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. માટે આચાર્યદેવ કહે છે કે પુણ્યબંધના
કારણરૂપ એવા તે રાગને ઓળંગી જઈને હું વીતરાગચારિત્રને પ્રાપ્ત કરું છું.
છઠ્ઠા ગુણસ્થાને ચારિત્રદશા તો છે, પણ ત્યાં જે શુભવિકલ્પનો સદ્ભાવ છે
તેટલો કષાયકણ વિદ્યમાન છે, તેને પણ છોડીને શુદ્ધોપયોગરૂપ વીતરાગ ચારિત્ર પ્રગટ
કરવાની આ વાત છે. અહા, કુંદકુંદાચાર્ય જેવા સન્ત કહે છે કે પુણ્યના કારણરૂપ એવું
સરાગચારિત્ર, તે વચ્ચે આવી પડ્યું હોવા છતાં તેને ઓળંગીને, મોક્ષના કારણરૂપ એવા
વીતરાગચારિત્રને હું પ્રાપ્ત કરું છું, એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ
એકાગ્રતાને હું અવલંબું છું.–આવો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.
શુભરાગ તો પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. તેને તો આચાર્યદેવે
કલંક અને કલેશરૂપ કહીને છોડવા યોગ્ય કહ્યું છે. અને મોક્ષનું કારણ તો વીતરાગ
ચારિત્ર છે,–તેને પ્રાપ્ત કરવાયોગ્ય કહ્યું છે. આનાથી જે વિરુદ્ધ માને તે ‘પ્રવચન’ને
એટલે કે જિનવાણીને સમજ્યો નથી; તેને સમ્યગ્દર્શન–જ્ઞાન હોતું નથી.
પંચપરમેષ્ઠી ભગવંતોનો આશ્રમ વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન છે, એટલે તે આશ્રમમાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ રીતે પંચપરમેષ્ઠીના આશ્રમમાં
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીન પછી રાગના અભાવરૂપ વીતરાગચારિત્રદશાને
હું પ્રગટ કરું છું. જુઓ, પ્રવચનસારની શરૂઆતથી જ શુભરાગને હેયરૂપ ને
વીતરાગભાવને જ ઉપાદેયરૂપ બતાવ્યો છે. તે શુભરાગ વચ્ચે આવશે પણ તે મોક્ષનું
સાધન નથી માટે તેને હેયરૂપ જાણજે. રાગને મોક્ષનું કારણ માને તેને તો શ્રદ્ધા–જ્ઞાન
પણ સાચાં નથી.
અહો, નિર્ગ્રંથ સાધુપણારૂપ જે મોક્ષમાર્ગ, તેમાં પ્રથમ તો શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધા–
જ્ઞાનરૂપ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન હોય છે; સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક
ચૈતન્યતત્ત્વમાં એકાગ્ર થતાં વીતરાગચારિત્ર પ્રગટે છે. આવા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
એકતારૂપ મોક્ષમાર્ગ તે વીતરાગભાવરૂપ છે. વચ્ચે છઠ્ઠા ગુણસ્થાને શુભરાગરૂપ કષાય
કણ વર્તે છે તે તો બંધનું કારણ છે, તે કાંઈ મોક્ષનું સાધન નથી.