: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
અમેરિકાથી આવેલ બે પ્રશ્નના જવાબ
[“આજના શિક્ષિત યુવાનો ધર્મમાં રસ નથી લેતા”
એવી ભ્રમણા ભાંગવા માટે દીપકભાઈનો પત્ર એક વધુ
પુરાવો છે....યુવાનો પણ ધર્મમાં ઉત્સાહથી રસ લ્યે છે.]
અમેરિકાથી આપણા સભ્ય નં. ૧૯પ૨ દીપક એમ. જૈન જિજ્ઞાસાથી બે પ્રશ્ન પૂછાવે
છે. અમેરિકા જેવા દૂર દેશમાં રહીને પણ સોનગઢના સન્તોને યાદ કરવા, સાથે સાથે
આત્મા અને પરમાત્માના વિચારો કરવા, ને ન સમજાય તે વાત જિજ્ઞાસાથી ભારત
પૂછાવવી,–આ રીતે આપણી ભારતભૂમિના સન્તાનો ગમે ત્યાં જાય પણ એના હૃદયમાં
સર્વત્ર અધ્યાત્મસંસ્કારો જીવંત રહે છે;–બીજા કોઈ પણ દેશની સંસ્કૃતિ આપણા ભારતની
અધ્યાત્મ–સંસ્કૃતિની તુલના કરી શકે તેમ નથી. ભારતની આ અધ્યાત્મ–સંપત્તિનું ગૌરવ
ભારતનો દરેક પુત્ર સમજે....ને એના ઉચ્ચ સંસ્કારોથી પોતાનું જીવન ઉજ્વળ બનાવે એમ
ઈચ્છીએ. હવે અમેરિકાથી દીપક ભાઈએ પૂછેલા બે પ્રશ્નોના જવાબ–
(૧) જો જીવ અમર છે તો જુદા જુદા અવતાર કેવી રીતે લે છે? અને
મનુષ્યપણું, પશુપણું વગેરે જીંદગી કેવી રીતે નકકી થાય છે?
ઉત્તર :–ભાઈશ્રી, પ્રથમ તો એ સંતોષની વાત છે કે તમારો પ્રશ્ન ‘આત્માની
આસ્તિકતા’ માંથી ઊગેલો છે. દેહથી જુદું એવું કંઈક જીવતત્ત્વ છે અને તે અમર છે–
એવા જે થોડાઘણા સંસ્કારો અંતરમાં ઊંડેઊંડે પડ્યા છે તેમાંથી જ આવી જિજ્ઞાસા ઊગે
છે. આટલા ઉપોદ્ઘાત પછી હવે તમારો ઉત્તર : તમે પૂછેલી વાત સમજાવવા માટે
શાસ્ત્રમાં દેહ અને વસ્ત્રનો દાખલો આપ્યો છે.–જેમ એક જ શરીર કાયમ (એટલે કે
જીવનપર્યન્ત) રહેતું હોવા છતાં વસ્ત્રો બદલાયા કરે છે; વસ્ત્રો બદલતાં કાંઈ માણસ
નથી બદલી જતો. દીપકભાઈ ભારતમાં હોય ત્યારે કદાચ ધોતીઝબ્બો પહેરે, ને
અમેરિકામાં હોય ત્યારે પેન્ટશર્ટ પહેરે–તો તેથી કાંઈ દીપકભાઈ બદલી નથી જતા; તેમ
જીવ સંસારની જુદીજુદી ગતિમાં જુદાજુદા ખોળિયા (શરીરરૂપી વસ્ત્ર) ધારણ કરે,
ક્યારેક હાથીનું શરીર ધારણ કરે ને ક્યારેક મનુષ્ય વગેરેનું શરીર ધારણ કરે, પણ તેથી
કાંઈ જીવ બદલીને બીજો નથી થઈ જતો એક શરીર છૂટી જાય (મરણ થાય) એટલે તે
જ જીવ બીજા શરીરમાં જાય છે, તેથી તેનું અમરપણું તો રહે જ છે. શરીરો બદલવા છતાં
આત્મા બદલી જતો નથી, કે મરી જતો નથી, તે એમ સૂચવે છે કે આત્મા દેહથી જુદી
જાતનો પદાર્થ છે–કે જે દેહનો નાશ થવા છતાં પોતે નાશ પામતો નથી.–જેમ વસ્ત્રનો
નાશ થવાથી કાંઈ વસ્ત્ર પહેરનારનો નાશ થઈ જતો નથી. એમ જુદાજુદા શરીરો છે તે
તો જીવના ઉપરના વસ્ત્રો સમાન છે;