: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
જીવ તો તે શરીરથી જુદી જાતનો ચેતનમય કાયમી પદાર્થ છે.
જીવ પોતે જેવા પાપનાં કે પુણ્યનાં ભાવ કરે તે અનુસાર તે શરીરને ધારણ કરે
છે...અને સ્વર્ગ (દેવલોક), નરક, તિર્યંચ (પશુ–પંખી વગેરે) તથા મનુષ્ય–એ ચાર
પ્રકારની ગતિમાં તે અવતાર ધારણ કરે છે. પણ જ્યારે દેહથી ભિન્ન પોતાનું સત્યસ્વરૂપ
(જ્ઞાનસ્વરૂપ) ઓળખે અને તે સ્વરૂપમાં જ લીન રહે ત્યારે જીવ મુક્ત થાય છે, એટલે
પછી તેને કોઈ શરીર ધારણ કરવાનું રહેતું નથી–આવી દશાને સિદ્ધદશા અથવા
મોક્ષદશા કહેવાય છે.–તેમાં પરમ સુખ છે.
(આ સંબંધી વિશેષ જિજ્ઞાસા જાગે ને કાંઈ પ્રશ્ન ઊઠે તો આપ ખુશીથી
પૂછાવશો; કેમકે આ આપણા જૈનધર્મની મૂળભૂત સંસ્કૃતિ છે...ને તેની સમજણ જીવને
મહાન હિતરૂપ છે.)
(૨) તમારો બીજો પ્રશ્ન છે કે–જો મનુષ્યો તેમજ બીજા પ્રાણીઓ એ બધાના
આત્મા સરખા હોય તો તેઓ બધા પરમાત્મા થઈ શકે કે નહીં?
ઉત્તરમાં શ્રીમદ્રાજચંદ્રની ભાષામાં કહીએ તો–‘સર્વ જીવ છે સિદ્ધમય જે સમજે
તે થાય.’ પરમાત્મા થવાની તાકાત તો બધા જીવોમાં છે, પણ જે પોતાની તે તાકાતને
ઓળખીને તેને પ્રયોગમાં (અનુભવમાં) લાવે તે જ પરમાત્મા થાય છે, જે પોતાની
તાકાતને નથી ઓળખતા તે પરમાત્મા નથી થતાં. સ્થૂલ દ્રષ્ટાંતથી સમજાવીએ તો–જેમ
દરેક મનુષ્યને કરોડપતિ થવાનો અધિકાર છે,–પણ શું બધાય મનુષ્યો કરોડપતિ થાય
છે? ના; અને છતાં, જે કરોડપતિ નથી થતા તેમનામાં પણ કરોડપતિ થવાનો અધિકાર
તો આપણે સ્વીકારીએ જ છીએ. તેમ દરેક જીવમાં પરમાત્મા થવાનો અધિકાર
(સ્વભાવની શક્તિ) તો છે. પણ બધા જીવો પરમાત્મા થઈ જતા નથી; જે નથી થતા
તેનું કારણ તે જીવો નિજસ્વરૂપને ભૂલીને મોહમાં ને રાગ–દ્વેષમાં અટક્યા છે.
હવે મનુષ્ય, પશુ વગેરે બધાના આત્મા સરખા હોવા છતાં તેમાં એટલી
વિશેષતા છે કે, ‘હું પરમાત્મા થઈ શકું છું’ એવી નિજશક્તિનું ભાન તો મનુષ્યનો કે
પશુનો (હાથી–સિંહ–વાંદરો વગેરે બુદ્ધિશાળી પશુનો) આત્મા પણ કરી શકે છે કેમકે
તેનામાં તેટલી બુદ્ધિનો વિકાસ થયો છે. અને પછી તે જ જીવ પોતાનો વધુ વિકાસ
કરીને જ્યારે પરમાત્મા થવાને તૈયાર થાય છે ત્યારે તેનું પશુપણું છૂટીને તે
મનુષ્યપણામાં આવે છે, ને ક્રમેક્રમે વિકાસ સાધીને વીતરાગ પરમાત્મા થાય છે. આ
રીતે અત્યાર સુધીમાં ઘણાય જીવો પરમાત્મા થઈ ગયા છે. આપણે પણ આત્માની
ઓળખાણ વડે પરમાત્મા થઈ શકીએ છીએ.
તમારા ધર્મપ્રેમ માટે ધન્યવાદ.
••• जय जिनेन्द्र