: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
પ્રવચનસાર એટલે જિનવાણીની પ્રસાદી
[વીસ વર્ષ પહેલાંંની થોડીક પ્રસાદી]
આજથી વીસ વર્ષ પહેલાંં વીર સં. ૨૪૭૪ માં
જ્યારે પ્રવચનસાર–ગુજરાતી પ્રગટ થયું અને
ગુરુદેવે મંગલપ્રવચનો પ્રારંભ કર્યાં, તે વીસ વર્ષ
પહેલાંંના પ્રવચનની પણ થોડીક મધુરી પ્રસાદી
અહીં આપીએ છીએ. સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત
વીતરાગચારિત્રની કેવી જોસદાર આરાધના
આચાર્યદેવના અંતરમાં ઉલ્લસી રહી છે! તે
આરાધનાના રણકાર આ પ્રવચનસારમાં ગુંજી
રહ્યા છે.
શ્રી મહાવીર ભગવાનની પરંપરાથી ગુરુગમે અને શ્રી સીમંધર ભગવાન
પાસેથી સીધું જે જ્ઞાન મળ્યું તેને પોતાના અંર્તઅનુભવ સાથે મેળવીને આચાર્યદેવે
આ શાસ્ત્ર રચ્યું છે. પ્રવચન એટલે જિનવાણી, તેનો સાર આ ‘પ્રવચનસાર’ માં
ભર્યો છે.
પ્રવચનસારની શરૂઆતમાં તીર્થનાયક શ્રી વર્દ્ધમાન સ્વામીને તેમજ
વિદેહક્ષેત્રે વર્તમાન શ્રી સીમંધર તીર્થંકર વગેરે પંચપરમેષ્ઠી ભગવંતોને વર્તમાન
પ્રત્યક્ષરૂપ કરીને આચાર્યભગવાન કહે છે કે અહો પ્રભો! હું મોક્ષલક્ષ્મીના સ્વયંવર
સમાન પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ કરું છું, તેમાં મંગળાચરણરૂપે મારી
સન્મુખ સર્વે પરમેષ્ઠી ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છું,
તથા સર્વેને સાથે નમસ્કાર કરું છું. મારા સાધક જ્ઞાનમાં સર્વે પંચપરમેષ્ઠી
ભગવંતોને સમાડીને નમસ્કાર કરું છું.
આમ શ્રી આચાર્યદેવે મંગળાચરણમાં પંચપરમેષ્ઠી ભગવંતોને એવી રીતે
નમસ્કાર કર્યા છે કે જાણે સાક્ષાત્ તે બધા ભગવંતો પોતાની સન્મુખ બિરાજતા
હોય અને પોતે તેમની સન્મુખ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવમાં લીન થઈ જતા હોય!