Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 49

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
૮૦ અને ૮૧ મી ગાથામાં મોહનો ક્ષય તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય તેનો
ઉપાય બતાવીને પછી ૮૨ મી ગાથામાં કહે છે કે બધાય અર્હન્ત ભગવંતો એ જ વિધિથી
કર્મોનો ક્ષય કરીને તથા એ જ પ્રકારે ભવ્યજીવોને ઉપદેશ કરીને મોક્ષ પામ્ય છે. અહો, તે
અર્હન્ત ભગવંતોને નમસ્કાર હો, પોતામાં એવો શુદ્ધોપયોગરૂપ માર્ગ પ્રગટ્યો છે તેના
પ્રમોદ સહિત કહે છે કે અહો! મોક્ષમાર્ગ ઉપદેશનારા અરિહંતોને નમસ્કાર હો.
શાસ્ત્રકર્તા આચાર્યદેવ વીતરાગ અને સરાગ ચારિત્રદશામાં ઝુલી રહ્યા છે....
આત્માના શુદ્ધોપયોગમાં લીન થતાં થતાં તેમની આ વાણી નીકળી છે...(લખતાં
લખતાંય વચ્ચે વારંવાર શુદ્ધોપયોગમાં ઠરી જતા હતા...) તેથી પદે પદે શુદ્ધોપયોગ રસ
નીતરી રહ્યો છે. જેનાથી સીધી શિવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્ય દેવના
અંતરમાં કેવી ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ આવે છે. વર્તમાન વર્તતા રાગનો
નિષેધ કરીને, તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને, જ્ઞાયકભાવમાં ડુબકી
મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંર્તભાવના ઘૂંટી છે.
ટીકાકાર આચાર્યદેવ કહે છે કે પરમાનંદના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે
આ ટીકા રચાય છે; એટલ કે પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ
પરમાનંદને પ્રાપ્ત કરવાના છે. જે જીવો આ શાસ્ત્રના ભાવ સમજશે તેમને પરમ આનંદ
પ્રગટ થશે.
આચાર્ય પોતે પણ પંચરમેષ્ઠી પદમાં વર્તી રહ્યા છે. પરંતુ હજી સરાગ ચારિત્રદશા
છે તેથી તે રાગ ટાળીને સંપૂર્ણ શુદ્ધોપયોગની ભાવના ભાવી છે. અંતર મુહૂર્તમાં ક્ષણે
ક્ષણે શુદ્ધોપયોગ આવ્યા જ કરે છે. ઘડીકમાં શુદ્ધોપયોગ પ્રગટ કરી સાતમા ગુણસ્થાને
વીતરાગ અનુભવમાં લીન થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને
પંચમહાવ્રત કે શાસ્ત્રરચના વગેરેનો વિકલ્પ ઊઠે છે; તે શુભનો અને તેના ફળનો
નિષેધ કરતાં કહે છે કે આ સરાગચારિત્ર (શુભરાગ) અનિષ્ટ ફળવાળું છે. વીતરાગ–
ચારિત્રનું ફળ કેવળજ્ઞાન ને અતીન્દ્રિય સુખ છે તે જ ઈષ્ટ છે. પંચમકાળમાં મુનિ છે ને
સરાગચારિત્ર છે એટલે સ્વર્ગમાં તો જશે, પણ તેનો આદર નથી, વીતરાગચારિત્રની જ
ભાવના છે. આ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ અખંડ આરાધન કરીને અલ્પકાળે
ચારિત્ર પૂરું કરી કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રાપ્ત કરશે. એવા આસન્નભવ્ય
આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર શાસ્ત્રમાં છે.