Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 49

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
આવો શુદ્ધઆત્મા છે તે ભાવરૂપ વસ્તુ છે, શુદ્ધ સત્તારૂપ છે; સિદ્ધદશા થતાં તેનો
અભાવ નથી થઈ જતો, પણ પોતાની ચૈતન્યસત્તામાં ભાવરૂપ છે; સ્વસત્તાથી ભાવરૂપ છે,
ને પરસત્તાથી અભાવરૂપ છે. સત્તારૂપ વસ્તુ છે, પણ કેવી સત્તા? કે ચૈતન્યસ્વભાવથી
ભરેલી છે. આ મંગલાચરણમાં શુદ્ધ આત્મદ્રવ્ય, તેના ગુણ, ને તેની નિર્મળપર્યાય એ ત્રણે
આવી ગયા. ને તેને પ્રગટ કરવાનો ઉપાય પણ બતાવ્યો કે
स्वानुभूत्या चकासते એટલે કે
પોતે પોતાના અનુભવરૂપ ક્રિયાવડે પ્રગટ થાય છે. આત્મા પોતે પોતાને સ્વાનુભવ વડે જ
જાણે છે; વિકલ્પવડે, રાગવડે, વાણીવડે આત્માં જણાતો નથી.
અહા, ચૈતન્યવસ્તુની કોઈ અપાર શક્તિ ને અપાર મહિમા છે. ચૈતન્યસ્વભાવથી
ભરેલો ભગવાન આત્મા, તે સ્વાનુભવથી પોતે પોતાને જાણે છે. સ્વાનુભૂતિરૂપ ક્રિયાવડે
આત્માની પૂર્ણ શુદ્ધદશા જેને પ્રગટી તે દેવ છે, તે ઈષ્ટપદ છે, તે સાધ્ય છે. તેને લક્ષમાં
લઈને મંગળાચરણમાં નમસ્કાર કર્યાં છે. જે શુદ્ધઆત્માને નમ્યો તે રાગને નહિ નમે;
શુદ્ધાત્મા જેણે રુચિમાં લીધો તે રાગની રુચિ નહિ કરે. રાગથી જુદો પડીને શુદ્ધઆત્માને
લક્ષમાં લીધો ત્યાં સાધકદશા થઈ, અપૂર્વ મંગળ થયું. જ્ઞાનની બીજ ઊગી તે હવે વધીને
કેવળજ્ઞાન–પૂર્ણિમારૂપ થશે.
જેવા સિદ્ધપરમાત્મા શુદ્ધ છે તેવો જ દરેક આત્માનો શુદ્ધસ્વભાવ છે. આવા
શુદ્ધસ્વભાવપણે આત્માને દેખવો–શ્રદ્ધવો–અનુભવવો તે સાચું ‘नमः समयसाराय’ છે.
સમયસાર એટલે શુદ્ધઆત્મા કેવો છે તે જાણ્યા વગર તેને સાચા નમસ્કાર ક્યાંથી થાય?
શુદ્ધઆત્મા તરફ પર્યાય નમે તે સાચા નમસ્કાર છે.
ભગવાન્! તું કોણ છો? તેની આ વાત છે. જેઓ સિદ્ધ અને અરિહંત પરમાત્મા
થયા તેઓ ક્યાંથી થયા? આત્મામાં એવો સ્વભાવ છે તે અનુભવવડે પ્રગટ કરીને તેઓ
પરમાત્મા થયા; તેમ આ આત્મામાં પણ એવો સ્વભાવ વિદ્યમાન જ છે, તેની સન્મુખ
થઈને અનુભવ કરતાં આ આત્મા પોતે પરમાત્મા થાય છે. ભાઈ, આવો તારો આત્મા છે
તેને તું પ્રતીતમાં લે, ઓળખાણ કર. આવા સ્વભાવની સન્મુખ થઈને અનુભવ કરતાં
વચ્ચે રાંગના ભાવ વગર સીધો આત્મા વેદનમાં આવે છે; આવા સ્વસંવેદનરૂપ જે ક્રિયા છે
તે ધર્મ છે, તે આત્માને પ્રસિદ્ધ કરવાનો ઉપાય છે. અંતર્મુખ આવી પરિણતિમાં ભગવાન
આત્મા આખો પ્રસિદ્ધ થાય છે; તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સમાઈ ગયા.
દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ આત્મા જેવો છે તેવો ભગવાને ઓળખાવ્યો છે.
ભગવાનને તો દ્રવ્ય–ગુણ પર્યાય ત્રણે શુદ્ધ થઈ ગયા છે; વિકાર રહ્યો નથી; આ આત્માનો
પણ એવો–