: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
સમયસારનો મહિમા કરતાં ગુરુદેવ કહે છે કે હે
ભવ્ય! તું અપૂર્વ ભાવે સમયસાર સાંભળજે શુદ્ધાત્માનો
અનુભવ કરનારા સંતોના હૃદયમાંથી નીકળેલું આ
શાસ્ત્ર શુદ્ધાત્માનો અનુભવ કરાવીને ભવનો નાશ
કરાવનારું છે....આત્માના અશરીરીભાવને
દર્શાવનારું આ શાસ્ત્ર છે. હે શ્રોતા! તું સાવધાન
થઈને (એટલે કે ભાવશ્રુતને અંતરમાં એકાગ્ર કરીને)
સાંભળ....તેથી તારો મોહ નષ્ટ થઈ જશે, ને તું
પરમાત્મા થઈ જઈશ. આ શાસ્ત્રની કથનીમાંથી
ધર્માત્મા શુદ્ધઆત્માને પ્રાપ્ત કરી લ્યે છે. શુદ્ધઆત્માનો
અનુભવ કરાવવો તે આ શાસ્ત્રનું તાત્પર્ય છે. આવા
શુદ્ધાત્માને ધ્યેયરૂપ સ્થાપીને તેને નમસ્કારરૂપ મહા
મંગળ–સ્તંભ રોપ્યા છે.
આ માંગળિકમાં સાધ્ય ને સાધક બંને ભાવ સમાઈ જાય છે. સમયસારરૂપ જે
શુદ્ધઆત્મા તે સાધ્ય છે, અને તેને નમસ્કારરૂપ સાધકભાવ છે, અથવા સ્વાનુભૂતિ તે
સાધકભાવ છે. આવી સાધક–સાધ્યની સંધિપૂર્વક મોક્ષના માણેકસ્થંભ રોપીને આ
સમયસાર (૧૬ મી વખત) શરૂ થાય છે.
• • •
આ સમયસારમાં દર્શાવેલો જે શુદ્ધ જ્ઞાયકભાવ, તેના ઘોલન વડે આત્માની
પરિણતિ અત્યંત શુદ્ધ થશે. વચ્ચે વિકલ્પ આવે તેના ઉપર કે વાણી ઉપર લક્ષ રાખીશ
નહિ, પણ તેના વાચ્ચરૂપ જે જ્ઞાયકભાવ–તેના ઉપર લક્ષ રાખજે,–તે તરફ જ્ઞાનને
એકાગ્ર કરજે. રાગનો ઉત્સાહ રાખીશ મા, જ્ઞાયકસ્વભાવનો જ ઉત્સાહ રાખજે.
જ્ઞાયકભાવના પ્રેમથી તને પરમ સુખ થશે,–એમ આશીર્વાદપૂર્વક સમયસાર સંભળાવે છે.
કેવળજ્ઞાન અને ભાવશ્રુતજ્ઞાન બંનેની એક જાત છે. જેવા આત્માને કેવળજ્ઞાન
દેખે છે તેવા જ આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષવડે શ્રુતજ્ઞાન પણ દેખે છે. શ્રુતજ્ઞાનની પણ
તાકાત મહાન છે; શ્રુતજ્ઞાન પણ રાગના અવલંબન વગરનું છે. શ્રુતજ્ઞાનરૂપ
સાધકપર્યાય પણ અંતરમાં પોતાના પૂર્ણ ધ્યેયને પકડીને તેને અવલંબનારી છે.
શ્રુતજ્ઞાનની આંખ એવડી મોટી છે કે પરમાત્મા જેવા આખા શુદ્ધઆત્માને તે દેખી લ્યે
છે. તે શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન જેવું જ નિઃશંક છે. અહા, શ્રુતજ્ઞાની–સાધક પણ
કેવળજ્ઞાની–પરમાત્માની પંક્તિમાં બેસનારા છે.