: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
શુદ્ધોપયોગનું ફળ – અતીન્દ્રિય મહાન સુખ
( – તે જ પ્રશંસનીય છે; રાગનું ફળ પ્રશંસનીય નથી)
આચાર્યભગવાને પ્રવચનસારની શરૂઆતમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર
કરીને મોક્ષનો સ્વયંવરમંડપ માંડયો છે...અમે પંચપરમેષ્ઠીમાં ભળીને મોક્ષલક્ષ્મીને
સાધવા નીકળ્યા છીએ, તેનો આ મંગલઉત્સવ છે.
મોક્ષનું સાધન શું? કે શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર તે જ મોક્ષનું સાધન છે; ને
વચ્ચે આવતો શુભરાગ તે તો બંધનું કારણ છે, તેથી તે હેય છે.–આમ શુભરાગને છોડીને
શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગને આચાર્યદેવે અંગીકાર કર્યો...પોતે શુદ્ધોપયોગી ચારિત્રદશારૂપે
પરિણમ્યા.
આ રીતે શુભ–અશુભપરિણતિને છોડીને અને શુદ્ધોપયોગપરિણતિને આત્મસાત
કરીને આચાર્યદેવ શુદ્ધોપયોગઅધિકાર શરૂ કરે છે; પોતે તે–રૂપે પરિણમીને તેનું કથન
કરે છે. તેમાં પ્રથમ શુદ્ધોપયોગના પ્રોત્સાહન માટે તેના ફળની પ્રશંસા કરે છે: અહો,
શુદ્ધોપયોગ જેમને પ્રસિદ્ધ છે એવા કેવળીભગવંતોને આત્મામાંથી જ ઉત્પન્ન અતીન્દ્રિય
પરમ સુખ છે. બધા સુખોમાં ઉત્કૃષ્ટ સુખ કેવળીભગવંતોને છે; તે સુખ રાગ વગરનું છે,
ઈન્દ્રિયવિષયો વગરનું છે, અનુપમ છે અને અવિનાશી છે, વચ્ચે ભંગ વગરનું
અવિચ્છિન્ન છે. સંસારના કોઈ વિષયોમાં એવું સુખ નથી.
અહો, આવું અપૂર્વ આત્મિકસુખ પરમ અદ્ભુત આહ્લાદરૂપ છે, તે જીવે પૂર્વે કદી
અનુભવ્યું નથી. સમ્યગ્દર્શનમાંય આવા અપૂર્વસુખના સ્વાદનો અંશ આવી જાય છે, પણ
અહીં શુદ્ધોપયોગના ફળરૂપ પૂર્ણ સુખની વાત છે.
શુદ્ધોપયોગથી આત્મા પોતે પોતામાં લીન થતાં. અતીન્દ્રિય સુખ ઉત્પન્ન થયું,
તેમા બીજા કોઈ સાધનનો આશ્રય નથી, એકલા આત્માના જ આશ્રયે તે સુખ પ્રગટ્યું
છે. તેને આત્માનો એકનો આશ્રય છે ને બીજાના આશ્રયથી નિરપેક્ષ છે, બીજા કોઈનો
આશ્રય તેને નથી,–આમ અસ્તિ–નાસ્તિથી કહ્યું. આત્માથી જ ઉત્પન્ન અને વિષયોથી
પાર–એવું સુખ તે જ સાચું સુખ છે, ને તે સુખનું સાધન શુદ્ધોપયોગ છે. માટે તે
શુદ્ધોપયોગ ઉપાદેય છે. આમ શુદ્ધોપયોગના ફળરૂપ પરમસુખનું સ્વરૂપ બતાવીને